રાજકોટ
News of Tuesday, 30th November 2021

રાજકોટ રેલ્વે દ્વારા પૂર્વ રણજી ખેલાડી નૈષધ બક્ષી ઈન્વીટેશન ટી-૨૦ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ડીઆરએમ અનિલકુમાર જૈન અને નિરંજન શાહના હસ્તે ઉદ્ઘાટનઃ ૮ ટીમો વચ્ચે કાંટે કી ટક્કરઃ તા. ૫મીએ ફાઈનલ મુકાબલો

રાજકોટ, તા. ૩૦ :. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજકોટ રેલ્વે સ્પોર્ટસ એસોસીએશન (આરડીએસએ) દ્વારા સૌરાષ્ટ્રની રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી સ્વ. નૈષધ બક્ષીની યાદમાં રવિવારથી ૮ ટીમ વચ્ચે ટી-૨૦ ક્રિકેટ ઈન્વીટેશન ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજકોટ રેલ્વે ડીઆરએમ અનિલકુમાર જૈનના હસ્તે થયું હતું. આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, વર્તમાન પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી હિમાંશુ શાહ, રાજકોટ રેલ્વેના સ્પોર્ટસ સેક્રેટરી અને ડિવીઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જૈફ, ડિવીઝનલ મઝદૂર સંઘ સેક્રેટરી હિરેન મહેતા, પૂર્વ રણજી ટ્રોફી સુકાની મહેન્દ્ર રાજદેવ, ભૂપતભાઈ તલાટિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીઆરએમ અનિલકુમાર જૈને જણાવ્યુ હતુ કે રેલ્વે તમામ પ્રકારના ખેલને પ્રોત્સાહન આપવા તૈયાર છે. ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રેલ્વે દરેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં યોગદાન આપશે. જ્યારે નિરંજન શાહે આ તકે જૂના ક્રિકેટર નૈષધ બક્ષીને યાદ કરીને જણાવ્યુ હતુ કે તેઓ તેમના સમયના અદ્ભૂત આક્રમક બેટધર હતા. તેમની પાસે આતશી બેટિંગની શાનદાર ટેકનીક હતી. તેમની યાદમાં રમાતી આ ટી-૨૦ ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓને સારા ક્રિકેટર બનવાની પ્રેરણા આપશે.

ટૂર્નામેન્ટના પ્રારંભિક મેચમાં રેલ્વે બી-ટીમ સામે વેરાવળની ટીમનો ૧૨-રને વિજય થયો હતો. ટૂર્નામેન્ટનો સેમિ ફાઈનલ અને ફાઈનલ મુકાબલો તા. ૫ ડિસેમ્બરે રેલ્વે કોઠી કમ્પાઉન્ડ મેદાનમાં રમાશે. ટૂર્નામેન્ટની સફળતા માટે પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી હર્ષદ જોશી, સેન્ડીલ નાટકણ, અતુલ કારિયા, સુધીર તન્ના, દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતીક મહેતા, ફિરોઝ બાંભણિયા, ભરત બુંદેલા, રાજુ રાઠોડ, નિલેશ વાઘેલા અને ચંદ્રસિંહ જાડેજા સહિતના પૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ઉપરાંત પસંદગીકારો જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:52 pm IST)