રાજકોટ
News of Monday, 31st May 2021

ભગવતીપરા પુલ પાસે દુકાનમાંથી દારૂની ૬ બોટલ અને ૧૦ ચપલા સાથે વેપારી દેવાયત પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂપલ ઓડીયો, વિડીયો નામની દુકાનમાં દારૂ વેંચતો'તો

રાજકોટ,તા. ૩૧: ભગવતીપરા પુલ પાસે સર્વિસ રોડ પર આવેલી રૂપલ ઓડીયો -વિડીયો નામની દુકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૬ બોટલ અને ૧૦ ચપલા સાથે વેપારીને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભગવતીપરા પુલ પાસે સર્વિસ રોડ પર આવેલી એક દુકાનમાં દારૂનો જથ્થો પડ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ, કોન્સ. શકિતસિંહને બાતમી મળતા ભગવતીપરા પુલ પાસે સર્વિસ રોડ પર આવેલ રૂપલ ઓડીયો -વિડીયો નામની દુકાનમાં દરોડો પાડી રૂ. ૩ હજારની કિંમતની દારૂની ૬ બોટલ તથા રૂ. ૧૦ હજારના દારૂના ૧૦ ચપલા સાથે દેવાયત મેણંદભાઇ બાલાસરા (ઉવ.૪૧) (રહે.ભગવતીપરા ચામુંડા સોસાયટી (શેરી નં. ૨)ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, શકિતસિંહ તથા સ્નેહભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:09 pm IST)