રાજકોટ
News of Wednesday, 31st May 2023

એલઓસી પાર કરીને આવતા ત્રણ આતંકવાદીઓ જીવતા પકડાયા

સાથે રહેલ હથિયાર, દારૂગોળો અને માદક પદાર્થ કરાયો જપ્‍ત

જમ્‍મુ તા. ૩૧: એલઓસી પરના પુંચ જીલ્લાના ખડી કરમારામાં ફોરવર્ડ પોસ્‍ટ પાસે સેનાએ ત્રણ આતંકવાદીઓને જીવતા પકડી લીધા હતા જેઓ પેલી તરફથી હથિયાર, દારૂગોળો અને માદક પદાર્થ લઇને આવી રહ્યા હતા. તેમાંથી એક ઘાયલ પણ થયો છે કેમકે સેનાની ચેતવણીને અવગણીનેતેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જવાબી ગોળીબારમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે, જેની ઓળખ જસપ્રિતસિંહ તરીકે થઇ છે.

સેના પ્રવકતાએ જણાવ્‍યું કે શંકાસ્‍પદ ઘૂસણખોરોના પ્રયાસ દરમ્‍યાન બન્‍ને તરફથી ગોળીબાર પછી સર્ચ ઓપરેશન દરમ્‍યાન આ ત્રણેને ઝડપી લેવાયા હતા. પ્રવકતાનું કહેવું છે કે તેમને આશંકા છે કે એકથી બે આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા છે.

ઝડપાયેલ ત્રણે સ્‍થાનિક હોવાનું જણાવાઇ રહ્યું છે. તેઓ પેલી બાજુ કયારે ગયા તેની તપાસ થઇ રહી છે. તેમના નામ મોહમ્‍મદ રિયાઝ, મોહમ્‍મદ ફારૂક અને મોહમ્‍મદ જુબૈર છે. તેમાંથી ફારૂક ઘાયલ થયો છે. ત્રણે કરમાડાના રહેવાસી છે. તેમની પાસેથી એક એકે ૪૭ રાઇફલ, એક મેગેઝીન, એકે ૪૭ના ૧૦ રાઉન્‍ડ, પિસ્‍તોલના ૪ મેગેઝીન, પિસ્‍તોલના ૭૦ રાઉન્‍ડ, ૬ ગ્રેનેડ, હેરોઇન જેવા પદાર્થના ર૦ પેકેટ અને ૧૦ કીલો આઇઇડી મળી આવ્‍યું છે.

(4:52 pm IST)