રાજકોટ
News of Monday, 31st August 2020

કોરોનાને કારણે મોતને ભેટેલા પત્નિના વિયોગમાં ભગવતીપરાના નિવૃત સફાઇ કામદારનો આપઘાત

ગયા બુધવારે પત્નિએ દમ તોડ્યોઃ ગઇકાલે પ્રેમજીભાઇ પરમારે રૂખડીયાપરામાં સાઢુભાઇના ઘરે એસિડ પી મોત મેળવી લેતાં અરેરાટીઃ ચાર જ દિવસમાં માતા-પિતા બંને ગુમાવતાં ચાર સંતાનો ઉંડા આઘાતમાં ગરક

રાજકોટ તા. ૩૧: કોરોનાની મહામારી રોજબરોજ કેટલાય પરિવારના આધારસ્તંભો તો કેટલાયના મોભીઓના જીવ ભરખી રહી છે. દરરોજ નવા પોઝિટિવ કેસ સામે આવવાની સાથોસાથ મોત પણ ટપોટપ થઇ રહ્યા છે.  ભગવતીપરામાં રહેતાં નિવૃત સફાઇ કામદાર મહિલાનું ગયા બુધવારે કોરોનાથી મોત થયા બાદ તેમના વિયોગમાં તેના નિવૃત સફાઇ કામદાર પતિએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ચાર દિવસમાં માતા-પિતા બંનેને ગુમાવનાર સંતાનો શોકમાં ગરક થઇ ગયા છે. સ્વજનો પણ હતપ્રભ થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા મેઇન રોડ સુખસાગર સોસાયટી શેરી નં. ૪માં રહેતાં પ્રેમજીભાઇ ભાણજીભાઇ પરમાર (ઉ.વ.૫૯) નામના વાલ્મિકી વૃધ્ધે ગઇકાલે રૂખડીયાપરામાં રામાપીરના મંદિર પાસે રહેતાં પોતાના સાઢુભાઇના ઘરે હતાં ત્યારે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રેમજીભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. જે ચારેય પરિણિત છે. પ્રેમજીભાઇના સ્વજનના કહેવા મુજબ ગયા બુધવારે જ પ્રેમજીભાઇના પત્નિ મંજુલાબેનનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. એ પછી તેઓ સતત ગુમસુમ રહેતાં હતાં અને તેના કારણે વિયોગમાં એસિડ પી લીધું હતું. મંજુબેન અને પ્રેમજીભાઇ બંને નિવૃત સફાઇ કામદાર હતાં. ચાર જ દિવસમાં ઘરના બબ્બે મોભી દુનિયા છોડી જતાં વાલ્મિકી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:49 am IST)