રાજકોટ
News of Monday, 31st August 2020

ગારીડામાં સરપંચના ભાઇ બાબુ વાંટીયા સહિતે બપોરે અરવિંદના હાથ પગ ભાંગી નાંખ્યાઃ સાંજે તેના ભાઇ, મિત્રને છરી-કુહાડીના ઘા ઝીંકયા

ચાર મહિના પહેલા રસ્તાના કામ મામલે અરવિંદને માથાકુટ થતાં તેના પગ ભાંગી નખાયા હતાં તેના પર ફરીથી હુમલોઃ અરવિંદના ભાઇ શૈલેષનો પીછો છતાં તે તળાવમાં કૂદી ગયો...અડધો કલાક ત્યાં જ ઘેરી રાખ્યોઃ ગુંદાળાથી મિત્ર વિજય ગોરીયા મચ્છી લેવા ગારીડા આવ્યો અને શૈલેષને બચાવવા ગયો તો તેના પર પણ છરી-કુહાડીના ઘાઃ સામે શૈલેષ વિરૂધ્ધ ધીરૂભાઇ વાંટીયાની પણ ફરિયાદઃ ૩ ગુના નોંધાયા

રાજકોટ તા. ૩૧: કુવાડવાના ગારીડા ગામના સરપંચના ભાઇ બાબુ ઉર્ફ ડગલી અને બીજા ત્રણ શખ્સોએ અગાઉના મનદુઃખનો ખાર રાખી રવિવારે બપોરે ગામના જ કોળી યુવાન અરવિંદને તે ફાકી-માવો લેવા ગામના ચોકમાં ઉભો હતો ત્યારે તેના પર લોખંડના પાઇપથી તૂટી પડી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. જુના મનદુઃખનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. એ પછી સાંજે પાંચેક વાગ્યે  અરવિંદના નાના ભાઇ શૈલેષનો પીછો કરતાં શૈલેષ બચવા માટે તળાવમાં જતો રહેતાં બધાએ તેને ઘેરી રાખ્યો હતો અને અડધો કલાક સુધી તળાવમાં જ રાખ્યો હતો. એ પછી ગુંદાળાથી શૈલેષનો મિત્ર વિજય તળાવ પાસે મચ્છી લેવા ગારીડા આવતાં તે મિત્રને તળાવમાં જોઇ જતાં તેને બહાર કાઢવા, મદદ કરવા જતાં તેને પણ બાબુની સાથેના જહા સહિત બે જણાએ કુહાડી-છરીના ઘા ઝીંકી દીધા હતાં. સામે શૈલેષ વિરૂધ્ધ પણ હુમલાની એક ફરિયાદ મળી કુવાડવા પોલીસે કુલ ત્રણ ગુના નોંધ્યા છે.

પ્રથમ બનાવમાં કુવાડવાના ગારીડા ગામના અરવિંદ છનાભાઇ કુંભાણી (કોળી) (ઉ.વ.૨૪) નામના કોળી યુવાન પર રવિવારે બપોરે એકાદ વાગ્યે ગારીડા ગામના ચોકમાં ધીરૂભાઇ ગોવિંદભાઇ ધરજીયાની દૂકાન પાસે ગારીડાના જ  બાબુ દેવશીભાઇ વાંટીયા, જહા જાદવભાઇ કોળી, ગુલા રતાભાઇ વાંટીયા અને અભય સામતભાઇ ઉર્ફ ભગત વાંટીયાએ લોખંડના પાઇપથી હુમલો કરી ડાબા પગની ઘુંટી પાસે ઘા ફટકારી ફ્રેકચર કરી નાંખ્યું હતું. તેમજ જમણો હાથ પણ ભાંગી નાંખ્યો હતો અને શરીરે આડેધડ ઘા ફટકાર્યા હતાં.

અરવિંદ સારવાર માટે દાખલ થતાં તેની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે બાબુ સહિત ચારેય સામે ગુનો નોંધ્યો હતો. અરવિંદના કહેવા મુજબ રવિવારે બપોરે એકાદ વગ્યે તે મિત્રનું પલ્સર લઇને ગામના ચોકમાં ધીરૂભાઇની દૂકાને માવો લેવા ઉભો હતો. આ વખતે બાબુ, જહો, ગુલો અને અભય ચારેય લોખંડના પાઇપ લઇને આવ્યા હતાં અને અરવિંદ કંઇ સમજે વિચારે એ પહેલા તેના પર તૂટી પડ્યા હતાં અને હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં.

હુમલાનું કારણ એવું છે કે અગાઉ અરવિંદ અને તેના કુટુંબીજનોને બાબુ વાંટીયા તથા તેના પરિવાર સાથે માથાકુટ થઇ હતી. ત્યારે પણ તેના પર હુમલો થયો હતો. જુના મનદુઃખનો ખાર રાખી ફરીથી રવિવારે હુમલો કરાયો હતો.

અરવિંદને હોસ્પિટલે ખસેડાયા બાદ તેના ભાઇ શૈલેષ છનાભાઇ કુંભાણી (ઉ.વ.૩૨)ને શોધવા જહો, હિતેષ, બાબુ વાટીયા સહિતના નીકળ્યા હોવાનું અરવિંદના બીજા ભાઇએ જણાવ્યું હતું. તેના કહેવા મુજબ  સાંજે પાંચેક વાગ્યે શૈલેષ ગામના તળાવ પાસે દેખાતા તેનો પીછો કરવામાં આવતાં તે બચવા માટે તળાવમાં કુદી જતાં બધા બહાર કાંઠે ઉભા રહી ગયા હતાં. આ કારણે અડધો કલાક સુધી શૈલેષ તળાવમાં જ ઘેરાયેલો રહ્યો હતો. એ પછી શૈલેષનો મિત્ર ગુંદાળા ગામે રહેતો વિજય ગોરીયા ગારીડાના ડેમ પાસે માછલી લેવા આવ્યો ત્યારે મિત્ર શૈલેષને તળાવમાં ઘેરાયેલો જોતાં તેણે મદદ કરી બહાર કાઢ્યો હતો. આ વખતે જહો, હિતેષ અને બાબુ શૈલેષને મારવા દોડતાં અને ધોલધપાટ કરતાં તે બચીને ભાગી ગયો હતો. આથી જહા સહિત ત્રણેયએ વિજયને છરી-કુહાડીના ઘા કર્યા હતાં.

બીજી ફરિયાદ

આ બારામાં પોલીસે બીજી ફરિયાદ  ગુંદાળા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં વિજય કાનાભાઇ ગોરીયા (ઉ.વ.૨૭) નામના કોળી યુવાનની નોંધી ગારીડાના જહા જાદવભાઇ, હિતેષ મનસુખભાઇ વાટીયા અને બાબુભાઇ વાટીયા સામે ગુનો નોંધ્યો હતો.

વિજયના કહેવા મુજબ રવિવારે સાંજે પોણા પાંચેક વાગ્યે તે બાઇક હંકારી ગારીડાના ડેમે મચ્છી લેવા માટે નીકળ્યો હતો. આ વખતે ગારીડા ડેમ પાસે પહોંચતા મિત્ર શૈલેષ કુંભાણી આવ્યો હતો અને તેની સાથે પોતે ઉભો હતો. ત્યારે ગારીડાનો જહો, હિતેષ વાટીયા અને બાબુ વાટીયા આવી  શૈલેષને મારકુટ કરવા માંડ્યા હતાં. પરંતુ શૈલેષ ભાગી જતાં જહાએ પોતાને (વિજયને) હાથમાં અને બંને પગમાં કુહાડીના ઘા કરી ઇજા કરી હતી. દિનેશે છરીથી વાંસા અને હાથમાં ઘા ઝીંકી દીધા હતાં. એ પછી રવજીભાઇ વાટીયાએ તેને વધુ મારથી બચાવ્યો હતો અને બાઇકમાં બેસાડી ગારીડા લઇ આવેલ. ત્યાંથી રિક્ષા મારફત બામણબોર પહોંચ્યો હતો. અહિથી વિજયએ તેના મોટા ભાઇને ફોન કરતાં તે ફોવ્હીલ લઇને આવેલ અને સારવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

વિજયએ જણાવ્યું હતું કે પોતાના મિત્ર શૈલેષને મારવા આ લોકો આવ્યા હતાં. પણ તે ભાગી જતાં પોતાના પર હુમલો થયો હતો.

ત્રીજી ફરિયાદ

આ ડખ્ખામાં કુવાડવા પોલીસે ત્રીજી ફરિયાદ ગારીડાના ધીરૂભાઇ લીંબાભાઇ વાટીયા (ઉ.વ.૫૨)ની નોંધી ગારીડાના શૈલેષ ધીરૂભાઇ કુંભાણી સામે ગુનો દાખલ કર્યો છે. ધીરૂભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ગારીડા ગામમાં હતાં ત્યારે શૈલેષે આવી 'તું કેમ અમારા પરિવારના લોકો સાથે ઝઘડામાં હતો?' તેમ કહી કુહાડીથી હુમલો કરી બંને પગે અને શરીરે ઇજા કરી હતી.

ત્રણેય બનાવમાં પીઆઇ એમ. સી. ચાવડા, પીએસઆઇ આર. કે. રાઠોડ, બી. પી. મેઘલાતરે ગુના દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)