રાજકોટ
News of Monday, 31st August 2020

હાશ... આવતીકાલથી એક સપ્તાહ મેઘરાજાનો વિરામ

આજનો દિ' ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદી એકટીવીટી જોવા મળશે : તા.૧ થી ૭ વરસાદનો આરામ, છતાં કયાંક - કયાંક છુટાછવાયા ઝાપટા - હળવો વરસી જાય : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૩૧ : આજનો દિવસ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદી એકટીવીટી જોવા મળશે. આવતીકાલથી એક સપ્તાહ મેઘરાજા વિરા લેશે. સિવાય કે કોઈ કોઈ જગ્યાએ ઝાપટા, હળવો વરસાદ પડી જાય તેમ વેધએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે લો - પ્રેસર સિસ્ટમ્સ એમ.પી. ઉપર આવવાની હતી તે એમ.પી.થી રાજસ્થાન દાખલ થઈ હતી અને આ લોપ્રેશર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારમાં છે અને આવતીકાલથી નબળુ પડી જશે.

જયારે ચોમાસુધરી હાલ પશ્ચિમ રાજસ્થાનમાં લો-પ્રેસર છે. ત્યાંથી મથુરા અને ત્યાંથી હિમાલયની તળેટી તરફ આગળ જાય છે. એક ૫.૮ કિ.મી.ના લેવલનું ટ્રફ પશ્ચિમ પાકિસ્તાન આસપાસ છે. આમ આજનો દિવસ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદી એકટીવીટી જોવા મળશે. આવતીકાલથી ક્રમશઃ વરસાદનું જોર ઘટી જશે.

શ્રી અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે તા. ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન વરસાદી વિરામ રહેશે તેમ છતાં છુટાછવાયા ઝાપટા - હળવો વરસાદ કયાંક - કયાંક વરસી જાય. બાકીના વિસ્તારોમાં તડકો જોવા મળશે.

(2:11 pm IST)