રાજકોટ
News of Monday, 31st August 2020

સગીરાના અપહરણ-પોકસોના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટ તા. ૩૧ :.. અત્રે સગીરાના અપહરણ કેસમાં આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટ એ મંજૂર કરી હતી આ કામના અરજદાર જતીન ઉર્ફે જીવો ગૌસ્વામી રે. કેવડાવાળી ખોડીયાર મંદિરની બાજુમાં રાજકોટ વાળાએ ગઇ તા. ૩-૮-ર૦ર૦ના રોજ સરધાર ગામે રહેતા ફરીયાદીની સગીર દિકરીને તેમના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસાલવી અપહરણ કરી લઇ ગયેલ તેમના મિત્રને મદદગારી કરેલ તે સબબ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ઇ.પી. કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩પ૪ (ક) તથા પોકસો કલમ ૮, ૧૭ મુજબની ફરીયાદ નોંધાયેલ હતી.

ફરીયાદના અનુસંધાને તપાસ કરનાર અમલદાર એ તપાસના કામમાં અરજદાર - આરોપી જતીન ઉર્ફે ગૌસ્વામીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્યારબાદ અરજદાર એ તેમના વકીલ મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન ઉપર છૂટવા જામીન અરજી દાખલ કરેલ આ જામીન અરજીની સુનાવણી દરમ્યાન અરજદારના વકીલએ દલીલ કરેલ કે હાલના અરજદાર સામે પ્રથમ દર્શનીયે પુરાવો નથી ફરીયાદ ૭ દિવસ મોડી દાખલ કરવામાં આવેલ છે. જેથી ફરીયાદ ઉપર પણ શંકા ઉત્પન્ન થાય છે તેમજ અરજદાર યુવા વયના હોય તેઓને જયુડીશ્યલ કસ્ટડીમાં રાખવાથી તેમની કેરીયર ઉપર અસર થશે તેઓ કયાંય નાસી ભાગી જાય તેમ નથી. તેમજ અરજદારના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખરએ જુદી જુદી હાઇકોર્ટના જજમેન્ટ રજૂ કરેલ. જયારે સરકાર પક્ષ તરફથી દલીલ કરવામાં આવેલ કે સમાજ આવા પ્રકારના ગુન્હાઓ વધતા જતા રહે છે તેમજ સગીર વયની છોકરી હોય બળ જબરી તથા પોકસોની ગંભીર કલમોનો ગુન્હો આચરેલ હોય જેથી હાલની જામીન અરજી રદ કરવા દલીલ કરેલ. બન્ને પક્ષોની દલીલો સાંભળી સેશન્સ જજ સાહેબએ અરજદાર - આરોપીની જામીન અરજી મંજૂર કરી જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર - આરોપી જતીન ઉર્ફે જીવો ગૌસ્વામી વતી રાજકોટના એડવોકેટ મનીષ એચ. ખખ્ખર, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, ભરતભાઇ હિરાણી, પ્રદ્યુમનસિંહ જાડેજા, સુરેશભાઇ પંડયા તથા આસીસટન્ટ તરીકે અલય એમ. ખખ્ખર, ધર્મેશ જે. ખીમસુરીયા રોકાયેલ હતાં.

(3:45 pm IST)