રાજકોટ
News of Monday, 31st August 2020

શહેરમાં પહેલી જ વાર એકસાથે ૩૧ વાહન ચોરીનો ભેદ ખુલ્યો

અગાઉ વાહનચોરી, અપહરણ, બળાત્કારમાં સંડોવાયેલો મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટીનો હિતેષ ઉર્ફ બાડો સગર મોજશોખ માટે ઉઠાવગીર બન્યો :રાતે બે થી ચાર વચ્ચે ઘરની બહાર હેન્ડલ લોક વગર પાર્ક કરાયા હોય તેવા જ વાહનો હિતેષ ઉઠાવતોઃ સાગ્રીતો સંજય અને અનિલ ધ્યાન રાખતાં: ચોરેલા વાહનો વેડખણ ગામે લઇ જઇ નંબર પ્લેટ કાઢી નાંખતાઃ ગોપાલની મદદગારીઃ પોલીસે બે બૂલેટ, ૨૭ બાઇક અને બે વાહનના એન્જીન મળી કુલ રૂ. ૭,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો :હિતેષ ઉર્ફ બાડો સીસીટીવી કેમેરા ન હોય ત્યાંથી જ વાહનોની ચોરી કરતો'તો : ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમને સફળતાઃ ચાર આરોપીઓને દબોચ્યા :એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી અને રણજીતસિંહ પઢારીયાની સફળ બાતમી :છેલ્લા અઢી મહિનામાં તમામ વાહનો મોરબી રોડની અલગ-અલગ સોસાયટીમાંથી ચોર્યા હતાં :લખતરના વડેખણમાં પુલ તુટી ગયો હોઇ ધોધમાર વરસાદ અને જોખમી વ્હેણ વચ્ચે ચાલીને જ્યાં વાહનો છુપાવ્યા હતાં ત્યાં પીએસઆઇ જેબલીયા અને ટીમે પહોંચી ૧૮ વાહન અને બે એન્જીન કબ્જે કર્યાઃ બાકીના વાહન રાજકોટથી મળ્યા

જબરૂ ડિટેકશનઃ ભકિતનગર પોલીસની ટીમે શહેરમાં અત્યાર સુધીમાં કદી નથી થઇ તેવી એક સાથે ૩૧ વાહનોની ચોરીનું ડિટેકશન કર્યુ છે અને વાહનો કબ્જે પણ લીધા છે. તસ્વીરમાં માહિતી આપતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને ટીમ તથા કબ્જે થયેલા તમામ  વાહનો અને પકડાયેલા ચાર ઉઠાવગીરો (ડાબેથી  પહેલો હિતેષ) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: શહેરમાં પહેલી જ વખત એક સાથે અધધધ ૩૧ વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમને સફળતા મળી છે. સારી બાબત એ છે કે ૨૯ ચોરાઉ વાહનો કબ્જે થયા છે અને બે એન્જીન કબ્જે થયા છે. અગાઉ વાહન ચોરી, અપહરણ, બળાત્કાર સહિતના ગુનામાં સંડોવાયેલો મોરબી રોડનો સગર શખ્સ મોજશોખ માટે ત્રણ સાગ્રીતો સાથે મળી મોડી રાતે બે થી ચાર વચ્ચેના સમયગાળામાં હેન્ડલોક વગરના વાહનો જ ચોરતો હતો. કુલ રૂ. ૭,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ભકિતનગર ડી. સ્ટાફના એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી અને રણજીતસિંહ પઢારીયાને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી-૩માં રહેતો અને અગાઉ પણ વાહનચોરીમાં પકડાઇ ચુકેલો હિતેષ ઉર્ફ બાડો સગર બીજા ત્રણ જણા સાથે મળી શહેરમાંથી અનેક વાહનો ચોરીને સુરેન્દ્રનગરના લખતર તાબેના વડેખણ ગામે છુપાવી દે છે. આ બાતમીને આધારે હિતેષ ઉર્ફ બાડોને સુરક્ષા કવચ એપ્લીેકેશનમાં સર્ચ કરતાં તેના વિરૂધ્ધ ગુનાની વિગતો મળી હતી. એ પછી આઇ-વે પ્રોજેકટ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતાં અન્ય ગુનાઓમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. પોલીસે હિતેષ ઉર્ફ બાડો ચમનભાઇ કારેણા (ઉ.વ.૩૩-રહે. મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી-૩) તથા તેના સાગ્રીતો સંજય મનસુખભાઇ મેર (ઉ.વ.૩૦-રહે. વડેખણ, તા. લખતર), અનિલ દલસખુભાઇ વડેખણીયા (ઉ.વ.૧૯-રહે. વડેખણ મેઇન બજાર) તથા ગોપાલ ઘુઘાભાઇ રોજાસરા (ઉ.વ.૨૧-રહે. તલસાણા તા. લખતર)ને પકડી લઇ તેણે વડેખણ રાજકોટમાંથી ચોરેલા બે બુલેટ તથા બાઇક મળી ૩૧ વાહનોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

આ વાહનો પૈકીના ૯ ચોરાઉ વાહનો મોરબી રોડ સ્મશાન આગળ અવાવરૂ જગ્યામાંથી અને બાકીના ૧૮ વાહન તથા બે એન્જીન વડેખણ ગામેથી કબ્જે કર્યા છે. આ ગુનાઓનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ સેલની પણ મદદ લેવાઇ હતી. ચોરાઉ વાહનો જ્યાં રાખ્યા હતાં તે લખતર પંથકમાં છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદને કારણે નદી નાળા બે કાંઠે વહેતા હોઇ અને ચોમેર પાણી ભરાયેલું હોઇ આમ છતાં મુદ્દામાલ રિકવર કરવો જરૂરી હોઇ ડી. સ્ટાફના પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમે ત્યાં જઇ પુલ તૂટી ગયો હોઇ નદીના ચાર ફુટ વહેતા પાણીમાં જોખમી વહેણમાં પગપાળા જઇ લોખંડના તારની મદદથી સામે કાઠે પહોંચી ૧૮ ચોરાઉ વાહનો અને બે એન્જીન કબ્જે કરવાની કામગીરી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હિતેષ ઉર્ફ બાડો બે સાગ્રીતો સંજય અને અનિલને લઇ રાતે બે થી ચારની વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં જતો હતો અને જ્યાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોય તેની તપાસ કરી ત્યાં હેન્ડલ લોક વગરના બાઇક હોય તો તે ઉઠાવી લેવાનું કામ કરતો હતો. આઠ-દસ બાઇક ભેગા થયા બાદ બધા વાહનો વડેખણ ગામે લઇ જવામાં આવતાં હતાં. ત્યાં જઇ વાહનોની નંબર પ્લેટો પણ કાઢી નાંખતા હતાં. પોલીસે જે વાહનો કબ્જે કર્યા છે તેમાં બે બૂલેટ, એક ટ્વિસ્ટર અને બાઇકના હોન્ડાના અલગ-અલગ મોડેલના વાહનો જેમ કે શાઇન, પ્લસ, પ્રો કબ્જે કર્યા છે.

આ ચારેયએ છેલ્લા બે ત્રણ મહિનાના ગાળામાં જ આ વાહનો કુવાડવા રોડ શિવરંજની પાર્ક, મોરબી રોડ જમુના પાર્ક, જય જવાન જય કિસાન, સત્યમ પાર્ક, ભગવતી પાર્ક, મોરબી રોડ શિવમ સોસાયટી, જલારામ સોસાયટી, મોરબી રોડ રામ પાર્ક, અમૃત પાર્ક, સિતારામ સોસાયટી, ગાયત્રીધામ સોસાયટી, શ્રીરામ પાર્ક, શકિત સોસાયટી, રોયલ પાર્ક, શકિત પાર્ક, સાહેબ પાર્ક, ઘનશ્યામનગર, અક્ષરધામ સોસાયટી, ઉત્સવ સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી દાસ કા ધાબા પાસેથી ચોરી કર્યા હતાં.

હિતેષ ઉર્ફ બાડો અગાઉ ત્રણ વાહન ચોરી, એક અપહરણ-બળાત્કાર અને જાહેરનામા ભંગના ગુનામાં તથા સંજય મેર લખતરમાં દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ ફિરોઝભાઇ આઇ. શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, હિરેનભાઇ પરમાર, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી અને મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

(3:50 pm IST)