રાજકોટ
News of Monday, 31st August 2020

૮૩ વર્ષના વડીલ કોરોનાના દર્દી ઉપર સફળ બ્રેઈન હેમરેજની સર્જરીઃ નવજીવન મળ્યું

સેલસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.સચીન ભીમાણી અને તેની ટીમ દ્વારા સફળ સર્જરીઃ દર્દી કોરોનામાંથી પણ સ્વસ્થ

રાજકોટ, તા. ૩૧: કોવિડ-૧૯ના કહેર વચ્ચે અનેક દર્દીઓ મોત સામે હારી જાય છે ત્યારે લોકોને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા આપતો એક કિસ્સો સામે આવ્યો. રાજકોટની અત્યાધુનિક સેલસ હોસ્પીટલમાં ૮૩ વર્ષના વડિલ દાદાને કોરોના હોવા છતાં સફળતા પૂર્વક બ્રેઇન હેમરેજ સર્જરી પાર પાડી અને કોરોનાને પણ મહાત આપી નવજીવન અપાયું હતું.

આ અંગે સેલસ હોસ્પીટલના ન્યુરો સર્જન ડો. સચીન ભિમાણીએ જણાવ્યું હતું કે, ૮૩ વર્ષના એક વડિલ દાદાને દોઢ મહિના પહેલા પડી જવાથી હેમરેજ થયું હતું. જેથી તેમને જમણીબાજુ હાથ-પગમાં પેરેલેસીસ અને નબળાઇ થયેલ તેમજ બોલવામાં તકલીફ પડતી હતી. રીપોર્ટ કરતા માલુમ પડ્યું કે દર્દીને મગજમાં ડાબી બાજુએ સબડ્યુરલ હેમરેજ થયું હતું. ઉપરાંત તેમને કફ-ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આ દર્દીને સેલસ હોસ્પીટલ (હાલ સેલસ કોવિડ-૧૯ હોસ્પીટલ) નાં નિષ્ણાંત ન્યુરો સર્જન ડો. સચીન ભિમાણી અને તેમની ટીમે ૮૩ વર્ષના દાદા કે જેને બ્રેઇન હેમરેજની સાથે બ્લડપ્રેશર, નબળી કિડની અને કોરોના હતો છતાં તેનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી ખુબ સાવચેતી પૂર્વક અને ઝડપથી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત એવી કોરોના દર્દી પર સફળતા પૂર્વક બ્રેઇન હેમરેજ સર્જરી કરી નવજીવન આપ્યું હતું. સાથોસાથ કોરોનાની સારવાર કરી તેમને કોરોના મુકત પણ કર્યા હતા. દર્દીની વયોવૃધ્ધ અવસ્થા હોવા છતાં દર્દીને બચાવી સેલસ હોસ્પીટલના તબીબોએ એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. હાલ ડો. સાવન છત્રોલા તેમજ ડો. નરેશ બરાસરા પણ કોવિડ-૧૯ ટીમ માં કાર્યરત છે. તેમ સેલસ હોસ્પીટલના મેડિકલ ડિરેકટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું.

(3:52 pm IST)