Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કચ્છ : નશામાં ધૂત બે શખ્સો ૧૦૮ એમ્બ્યુલન્સ લઇને ફરાર

એમ્બ્યુલન્સડિવાઈડર સાથે અથડાવતા લોકો જીવ અધ્ધર : બે શખ્સો ભચાઉ સરકારી આરોગ્ય કેન્દ્રની બહાર ઉભેલી ૧૦૮ ચલાવવા લાગ્યા : સદ્નસીબે મોટી દુર્ઘટના ટળી

કચ્છ, તા. ૩૧ : ભચાઉમાં દારુના નશામાં બે શખ્સો ૧૦૮ એમ્બ્યુલન્સ લઈને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે ભચાઉના સરકારી આરોગ્ય કેન્દ્ર બહાર ઉભેલી ૧૦૮ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સમાં દર્દી સાથે આવેલા અને દારૂના નશામાં ચૂર બે સબંધીઓ સેલ મારી હંકારી જતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ત્યારબાદ તરત આ નશેડીઓનો પીછો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નશેડીઓએ નવી મોટી ચીરઇ પાસેના પુલ નીચે ડિવાઇડરમાં અથડાવી અકસ્માત સર્જ્યો હતો.

શામજી કોળી અને કરશન કોળી નામના બે શખ્સો ભચાઉના સામુહિક આરોગ્ય કેન્દ્રની આસપાસ ફરી રહ્યા હતા. તે જ સમયે, એક એમ્બ્યુલન્સ સગર્ભા સ્ત્રી સાથે આરોગ્ય કેન્દ્ર પર આવી. દર્દીને જરૂરી તબીબી સહાય મળે તે માટે ઉતાવળમાં એમ્બ્યુલન્સનો પાઇલટ અને પેરામેડિકલ સ્ટાફ મહિલાને કેન્દ્રની અંદર લઈ ગયો હતો, પરંતુ એમ્બ્યુલન્સની ચાવી લેવાનું ભૂલી ગયો હતો.

શામજી અને કરશન અવસરનો લાભ ઉઠાવીને એમ્બ્યુલન્સ લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે એમ્બ્યુલન્સના પાયલોટને જાણ થઈ તો તે તરત જ બીજી એમ્બ્યુલન્સમાં નશેડીઓનો પીછો કર્યો હતો. તે દરમિયાન બંને દારૂડિયાઓ ચિરઈ ઓવર બ્રિજ તરફ આવ્યા હતા અને પુલ પાસે પહોંચતા પહેલા ડિવાઈડર સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ બંનેને એમ્બ્યુલન્સથી બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

સ્થાનિકોએ આ બંનેને પકડી પાડી પોલીસની હવાલે કર્યા હતા. પોલીસે જણાવ્યું છે કે, વાહન ચોરીના બે અલગ અલગ ગુના અને પ્રોહિબિશન કાયદા હેઠળ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. સૌથી સારી બાબત એ છે કે, નશેડીઓએ ભચાઉથી જુની ચીરઇ વચ્ચે બેફામ એમ્બ્યુલન્સ હંકારી પરંતુ સદ્ભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી.

(8:15 pm IST)