Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

તળાજાના સથરા ગામે ખેડૂત પર સિંહનો હૂમલો

ભાવનગર, તા.૧: તળાજાના સથરા ગામના ખેડૂત પર સિંહ એ હુમલો કર્યાના વાવડે ગ્રામજનોમા ફફડાટ ફેલાવી દીધો હતો. તેની સામે દોડી ગયેલા વનવિભાગની તપાસમાં આજુબાજુના બસો વિઘાના ખેતરમાં કયાંય સિંહના સગડ મળ્યા નથી. ખેડૂતના પીંડીથી ઉપરના ભાગે જે નિશાન છે તે વાડ ઠેકયા હોય અને તેમાં ઉઝરડા પડે તેવા નિશાન છે.

બૃહદગીર તળાજા પંથકમાં સતત સાવજ ની સંખ્યા વધતી જાય છે.દરિયા કિનારે આવેલ તરસરા,પાદરી(ગો), અલંગ સરતાનપર સહિતના ગામડાઓમાં સિંહ, સિંહણ અને બચ્ચાઓ વિચરણ કરી રહ્યા છે. જેમાં આજે બપોરે સથરા ગામના ખેડૂત મકનભાઈ નાગજીભાઈ પાલ એ વાડીમાંથી ગામમાં આવી સિંહ એ પોતાના પર હુમલો કર્યાનું જણાવતા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. ફોરેસ્ટ વિભાગ દોડી ગયેલ.

મકનભાઈ પાલ એ દાવો કર્યો હતોકે સવારે સિંહ ગરજયો હતો.ને પોતાના પર હુમલો થયો હતો. ખેડૂતે દેખાડેલ ઇજાના નિશાનમાં પીંડીથી ઉપરના ભાગે ઉઝરડા જોવા મળ્યા હતા.આર.એફ.ઓ રાજુભાઈ ઝીંઝુવાડિયા એ સિંહ ના હુમલાની ઘટના જુઠ્ઠાણું ગણાવી હતી. તેઓએ દાવો કર્યો હતોકે આ વારીમાંતો નહીં પણ આસપાસ ના બસો વિદ્યામાં કયાંય સિંહ ના સગડ પંજા ના નિશાન જોવા મળ્યા નથી. સાવજનો એક પંજો પડે તો માસના લોચા અને નસ ફાડી ને બહાર કાઢી નાંખે. ખેડૂત ને માત્ર ઉઝરડા પડ્યા છે. તે નિશાન કાંટા કે વાયર ફેન્સીગની તારના હોય તેવો અંદાઝ છે.

ફોરેસ્ટ કર્મી ઉલવાએ સિંહના હુમલાની વાતને લઈ એકઠા થયેલા ગ્રામજનોને અપીલ કરી હતી કે સરકાર માન્ય ઝટકા મશીનનો ઉપયોગ કરવો. વાડી ફરતે કયાંય ઇલેકિટ્રક કરંટ પસાર કરવો નહીં. દીપડો સિંહ એ સરકાર માન્ય રક્ષિત પ્રાણી છે. તેને નુકસાન પહોંચાડવુ એ ગંભીર ગુન્હો બને છે.

(11:54 am IST)