Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ગાંધી નિર્વાણ દિન રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મભૂમિ ચોટીલામાં સ્‍વરાંજલિ - મૌનાંજલિ

લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્‍યાસ અને નીલેશ પંડ્‍યાએઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્‍વરાંજલિ અર્પણ કરી : શહીદોને મૌનાંજલિ અર્પણઃ વિશ્વભરમાંથી સાત લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમને ઈન્‍ટરનેટ પર જીવંત માણ્‍યો : નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા શ્રી ચોટીલા એજયુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટ દ્વારા આ પ્રેરક આયોજન

ગાંધી નિર્વાણ દિન - શહીદ દિન નિમિત્તે, સતત ૧૧માં વર્ષે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ ‘મેઘાણી@૧૨૫' અંતર્ગત એમની જન્‍મભૂમિ ચોટીલા ખાતે ‘ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે'સ્‍વરાંજલિ-મૌનાંજલિનો કાર્યક્ર્‌મ યોજાયો હતો. નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્‍યું હતું.  

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, શ્રી ચોટીલા એજયુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના જગદીશગીરી ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા, શિક્ષણ જગતમાંથી ડો. સી. બી. બલાસ (ચોટીલા સરકારી આર્ટસ કોલેજના આચાર્ય), કિરતારસિંહ પરમાર, ઉગ્રસેનસિંહ ગોહિલ અને ભરતસિંહ ડાભી, સહકારી-ખેડૂત આગેવાન ગગુભાઈ ગોહિલ, બળવંતસિંહ ગોહિલ, ગંભીરસિંહ ગોહિલ અને રમેશભાઈ બદ્રેશિયા, શૈલેષભાઈ ઉપાધ્‍યાય, સરકારી તાલુકા પુસ્‍તકાલયના અનિશભાઈ લાલાણી, મનહરેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનયગીરી ગોસાઈ,    કિર્તિભાઈ શાહ, મુકુંદભાઈ પંડ્‍યા, પિયૂષભાઈ વ્‍યાસ, વિનોદભાઈ મિષાી આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યાં હતા.

ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્‍મસ્‍થળ ખાતે ભાવાંજલિ અર્પણ થઈ હતી. એન. એન. શાહ સ્‍કૂલ ખાતે શહીદોને સ્‍વરાંજલિ-મૌનાંજલિનાં કાર્યક્ર્‌મનું ઈન્‍ટરનેટ પરથી જીવંત પ્રસારણ www.eevents.tv/meghaniને વિશ્વભરમાંથી સાત લાખથી વધુ ભાવિકોએ માણ્‍યું હતું. આ કાર્યક્રમ માટે ખાસ લાગણીથી પ્રેરાઈને ચોટીલા આવેલા ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ (ભરૂચ), રાધાબેન વ્‍યાસ (અમદાવાદ) અને નીલેશ પંડ્‍યા (રાજકોટ)એ ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી હૃદયસ્‍પર્શી ‘સ્‍વરાંજલિ'અર્પણ કરી હતી. કસુંબીનો રંગ, રક્‍ત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે'જે, તારા નામમાં ઓ સ્‍વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્‍ન્‍યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર મેઘાણી-ગીતો રજૂ થયા હતા.

કાર્યક્ર્‌મનો આરંભ ગાંધીજીને અતિ પ્રિય એવું ભક્‍તકવિ નરસિંહ મહેતા કૃત ‘વૈષ્‍ણવ જન'અસલ પ્રભાતી ઢાળથી થયો હતો. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્‍જો), કુલદીપ વાઘેલા (મંજીરા)એ પણ બખુબી સાથ આપ્‍યો હતો. સાઉન્‍ડ સિસ્‍ટમ પિન્‍ટુભાઈ દાણીધારીયા - નકલંક સાઉન્‍ડ (રાજકોટ)ની હતી. સવારે ૧૧ કલાકે સાયરન વાગતા જ શહીદોને સામુહિક ‘ મૌનાંજલિ'અર્પણ થઈ હતી.વિશ્વ અહિંસા નિબંધ સ્‍પર્ધામાં વિજેતા થયેલ ચોટીલાની ત્રણ વિદ્યાર્થીનીઓ દેવ્‍યાની કે. રહેવર, દિપાલી સી. કણસાગરા અને ગોપી ડી. ધરજીયાનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ સ્‍થિત ૯૨-વર્ષીય વિશ્વવિખ્‍યાત સંગીતકાર, પિયાનોવાદક, કલાગુરુ કાંતિભાઈ સોનછત્રાએ પોતાની આગવી શૈલીમાં ‘વૈષ્‍ણવ જન'ની ધૂન વગાડીને ઈન્‍ટરનેટના માધ્‍યમથી મહાત્‍મા ગાંધીને અનોખી સ્‍વરાંજલિ અર્પણ કરી છે.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી 

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(12:41 pm IST)