Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

પરપ્રાંતમાં નવી મગફળીની આવકો શરૂ

આંધ્ર, તેલંગણા અને કર્ણાટકમાં નવી મગફળીની એક લાખ ગુણીની આવકોઃ સૌરાષ્‍ટ્રમાં પણ એક લાખ ગુણીની આવકો : પરપ્રાંતમાં નવી મગફળીની આવકો શરૂ થતા સૌરાષ્‍ટ્રમાં સીંગદાણાની ડિમાન્‍ડ ઘટે તેવી શકયતાઃ મગફળી અને સીંગદાણાના ભાવો ઘટશે

રાજકોટ, તા. ૧ :. સૌરાષ્‍ટ્રમાં મગફળીની સીઝન પૂર્ણતાના આરે છે ત્‍યારે પરપ્રાંતમાં આંધ્ર, તેલંગણા અને કર્ણાટકમાં નવી મગફળીની આવકો શરૂ થઈ છે. આજે સૌરાષ્‍ટ્રમાં પણ મગફળીની એક લાખ ગુણીની આવકો નોંધાઈ છે.

વેપારી સૂત્રોના જણાવ્‍યા મુજબ પરપ્રાંતમાં આંધ્ર, તેલંગણા અને કર્ણાટકમાં આજે નવી મગફળીની આવકો શરૂ થઈ છે. ત્રણેય રાજ્‍યોમાં નવી મગફળીની એક લાખ ગુણીની આવકો થઈ છે. પરપ્રાંતમાં ધીમે ધીમે નવી મગફળીની આવકો વધતા સૌરાષ્‍ટ્રના મગફળી અને સીંગદાણાની ડિમાન્‍ડ ઘટે તેવી શકયતા છે. ચાલુ વર્ષે મગફળીનું બમ્‍પર ઉત્‍પાદન છતા મગફળીના ભાવો ઉંચા રહેતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. ચીનની વ્‍યાપક ખરીદીના પગલે મગફળીના ભાવો ઉંચા રહ્યા હતા.

રાજકોટ યાર્ડમાં મગફળીની ૨૫ હજાર ગુણી સહિત સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળીના ૧ લાખ ગુણીની આવકો થઈ છે. યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૧૦૯૦થી ૧૨૦૦ રૂા. રહ્યા હતા. પરપ્રાંતમાં નવી મગફળીની આવકો અને સીઝન શરૂ થતા સૌરાષ્‍ટ્રમાં મગફળી અને સીંગદાણાના ભાવો ઘટે તેવી શકયતા છે. મગફળીના ભાવો ઘટયા બાદ સીંગતેલના ભાવો પણ ઘટશે તેવો વેપારી સૂત્રોએ નિર્દેશ આપ્‍યો હતો.

(1:43 pm IST)