Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

શ્રેષ્ઠ હોવાનો ગર્વ યોગ્ય છે, પણ હું જ સર્વશ્રેષ્ઠ હોવાનો અહંકાર અયોગ્ય : રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.

ગિરનારની ધરા પર પરમ ગુરુદેવના સાંનિધ્યે ઉજવાયો નવ આત્માઓનો આત્મયાત્રા દીક્ષા મહોત્સવનો પાંચમો દિવસ

રાજકોટ, તા. ૧ : માર્ગ અનેક પરંતુ મંઝિલ સહુની એક, સિધ્ધત્વના શિખરની. જેને પામવા પ્રભુના voice સાથે સ્વયંના inner voice ને એકરૂપ કરવાની પ્રેરણા આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગરવા ગિરનારની ગોદમાં પ્રભુ નેમનાથના સ્મૃતિ દરબારમાં નવ નવ આત્માઓના ગાજી રહેલાં દીક્ષા મહોત્સવનો પંચમ દિવસ હજારો ભાવિકોને પરમની પ્રેરણા આપી ગયો હતો.

નવ નવ આત્માઓના વૈરાગ્યભાવની અનુમોદના કરતાં શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી  નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ  આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ  મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ  દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના પંચમ દિવસે We Jain-One Jain સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંતપ્રસતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને ધન્ય બન્યાં હતાં.

 આ અવસરે પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, આત્માની સમજ, આત્માની યોગ્યતા અને પાત્રતા સહુ સહુની અલગ હોઈ શકે, સાધનાનો માર્ગ સહુનો અલગ હોઈ શકે પરંતુ મંઝિલ તો સહુની એક જ હોય છે, સિધ્ધત્વની. સિધ્ધત્વની સાધનાના માર્ગ પર, મોક્ષના કેટલાંક આત્માઓને પ્રયાણ કરાવવા માટે ગુરુને પણ ખૂબ પુરુષાર્થ કરવો પડતો હોય પરંતુ કેટલાંક જન્મો જનમના સાધક આત્માઓનો inner voice જ્યારે ગુરુ-્રપરમાત્માના voice સાથે ભળે છે ત્યારે તે આત્મામાં અણગારપણાનો જન્મ થઈ જતો હોય છે. આપણે કોઈની સાધનાનું અવમૂલ્યન નથી કરવાનું. આપણે શ્રેષ્ઠ હોવાનું ગર્વ હોવું તે યોગ્ય છે પરંતુ આપણે જ સર્વશ્રેષ્ઠ છીએ એના અહંકારથી મુકત બનીને સહુનો સ્વીકાર કરવાનો છે. સાધના એ હોય જે સિધ્ધિ અપાવે.

આ અવસરે વિશેષરૂપે આયોજિત 'The Final Full Stop-'History of His Life' કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ ફેનિલકુમારની જીવનકથાપ્રસંસ્કારયાત્રાનું પ્રેરણાત્મક દૃશ્યાંકનથી હજારો યુવાનો પ્રેરણા પામ્યાં હતાં.

સાથે જ ફેનિલકુમારના સંસારી સ્વજનો સાથે અત્યંત સ્નોહ અને આત્મીયતાથી સંસાર જીવનના અંતિમ આત્મરક્ષાબંધનની સંવેદન ક્ષણો સહુના હૃદયને સંવેદનશીલ બનાવી ગઈ હતી.

ભવપ્રભવાંતરના કલ્યાણ માટે દિશા નિર્દેશ કરીને ઉજવાઈ રહેલાં દીક્ષા મહોત્સવના આવા અવસરોમાં આવતીકાલ તા. ૨ મંગળવાર સવારના ૮.૩૦ કલાકે The Final Full stop કાર્યક્રમ અંતર્ગત દીક્ષાર્થી શ્રી નિધિબેનની આત્મકથાપ્ર પ્રસંગોની પ્રેરણાથી સંયમની અંતરસ્પર્શી પ્રસ્તુતિ દ્વારા સહુને પ્રેરિત કરવામાં આવશે. શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેક આત્મપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે આ અવસરોમાં જોડાવવા આમંત્રણ આપવામાં અપાયું છે.

(3:05 pm IST)