Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

મૈત્રી કરારના પાંચ વર્ષ પછી કોર્ટ મેરેજ કર્યાઃ પતિને અન્ય સ્ત્રી મળી જતા મારકુટ ચાલુ કરી

ભાટીયા ગામે રિસામણે આવેલી બે સંતાનોની માતાએ વિરપર ગામે રહેતા બે સંતાનોના પિતા વિરૂધ્ધ ફરીયાદ કરી

ખંભાળિયા તા.૧: ભાટીયા ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ કલ્યાણપુરના વિરપર ગામે રહેતાં પતિ વિરુઘ્ધ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગત મૂજબ હાલ ભાટીયા ગામે માવતરના ઘરે રિસામણે આવેલી પરિણીતા સંતોકબેન ઉર્ફે શિતલ મુરૂભાઈ લગારીયા (ઉ.વ.૩૦)નામની આહિર પરિણીતાએ ખંભાળિયા મહિલા પોલીસમાં પતિ મુરૂ દેવશી લગારીયા વિરૂઘ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, બે સંતાનના પિતા એવા મુરૂ લગારીયા સાથે પ્રેમ સંબંધ બંધાતા વર્ષ ૨૦૦૯માં જામનગર કોર્ટ ખાતે મૈત્રી કરાર કર્યા હતાં એ સમયે તેની પત્ની સોનલ હતી. અને સંતાનમાં એક ૧૯ વર્ષનો પુત્ર અને એક ૧૫ વર્ષનો પુત્ર હતાં. પાંચેક વર્ષ મૈત્રી કરારમાં રહયાં બાદ મેં ૨૦૧૩માં મુરૂ લગારીયા સાથે કોર્ટમાં મેરેજ કરી કર્યા બાદ અમે વિરપર ગામે રહેતાં હતાં. સંતાનમાં મારે પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર છે. લગ્ન જીવન દરમિયાન મારે સંતાન જોઈતું હતું આથી હું પતિ સાથે સંતાન બાબતે વાતચિત કરવા જતી ત્યારે તે ઉશ્કેરાઈ જતાં હતાં. જે બાદ મને ફરવા માટે આસોટા દરિયા કિનારે લઈ જઈ ત્યાં મારી સાથે ઝગડો કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. અવાર નવાર ઝગડાઓ થતાં હું સંતાનો સાથે બે વખત ભાટીયા માવતરના ઘરે રિસામણે ચાલી આવી હતી. અહીં રિસામણે હતી ત્યારે પતિ વિરપર ગામે કોઈ અન્ય સ્ત્રી ને લાવી તેની સાથે રહેતો હતો. આ વાતની જાણ થતાં હું વિરપર ગામે જઈ પતિ સાથે વાત કરતાં તે ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી મને માર માર્યો હતો. આથી કંટાળી જઈ મેં ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન મારા સગા સબંધીઓએ સમજાવેલ કે પતિ વિરુધ્ધ ફરીયાદ કરીશ તો તારા બાળકો રખડી પડશે આથી મેં એ સમયે કોઈ ફરીયાદ લખાવી ન હતી. પરંત્ તે ન સૂધરતાં અને માથાકુટ ચાલુ સહન ન થવાથી લગ્ન જીવન દરમિયાન શારિરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં કંટાળીને મહિલા પોલીસમાં પતિ મુરૂ લગારીયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. બનાવ અંગે પોલીસે પતિ વિરુઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 pm IST)