Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પ્રભાસ પાટણમાં આપ દ્વારા પરીક્ષાનું પેપર ફુટવા બદલ મુખ્‍યમંત્રીને રજુઆત

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ,તા.૧ : સ્‍પર્ધાત્‍મ પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા  રદ કરવી પડી. પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે ૯.૫૩ લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ  એળે જવો. આજે મોંઘવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્‍તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિદ્યાર્થી ઓછામાં ઓછા ૫૦,૦૦૦/- રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલીકુલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!!

 વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ‘‘ભરોસાની ભા.જ.પ.'' સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી.

 એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની આપની પાસે માંગણી છે કે  અત્‍યારસુધી ફૂટેલા તમામ  પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે,  હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવળત ન્‍યાયાધીશના વડપણ હેઠળ સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્‍યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ-રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે.  હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા ૫૦૦૦૦/- વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે,  વિધાનસભાના આગામી સત્રમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાના દુષણને નિવારી શકાય.

 આશા છે ગુજરાતના નવ-યુવાનોના હિતમાં અને સરકારનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવા માટે આપ આટલા પગલાં તાત્‍કાલિક ભરશો.

 જો સરકાર જરૂરી પગલાં નહિ ભારે તો આગામી દિવસોમાં યુવા-જાગળતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો હાથ ધરશે. તેમ આમ આદમી પાર્ટી ના જગમાલભાઇ વાળાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(10:06 am IST)