Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઉના પંથકની સગીરાના અપહરણ-દુષ્‍કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ઉના, તા., ૧: ઉના તાલુકાના આથમણા પડા ગામેથી કૌટુંબીક મામાએ સગીર વયની ભાણેજને ભગાડી જઇ વારંવાર દુષ્‍કર્મ કર્યાના ગુનામાં ઉનાની સ્‍પેશ્‍યલ પોસ્‍કો કોર્ટના જજશ્રીએ ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦ હજાર રૂપીયાનો દંડ આરોપીને કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ ગત તા.૧૭/૫/૨૦૧૭ના રોજ ઉના તાલુકાનાં આથમણા પડા ગામે રહેતી ૧૪ વર્ષ અને પાંચ મહિનાની સગીર વયની યુવતીને તેમનો કૌટુંબીક મામો મુકેશ ઉર્ફે પેસન હમીરભાઇ સોલંકી (ઉ.વ.ર૮) રે. મુળ અંબાડા, તા. ઉના, હાલ સુરત જીલ્લાના વેલોત્‍જા ગામ કામરેજવાળો અંબાડા ગામેથી સગીર ભાણેજને લગ્નની લાલચ આપી ભગાડી જઇ જુદી જુદી જગ્‍યાએ સગીરા ઉપર દુષ્‍કર્મ કર્યુ હતું. આ અંગે ઉના પોલીસમાં સગીરાની માતાએ આરોપી મુકેશ સોલંકી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પોષ્‍કો અપહરણની કલમ હેઠળ ધરપકડ કરી સગીરાની તબીબી તપાસ કરાવી હતી. ઉનાની એડીશ્નલ સેસન્‍સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

આ કેસ ઉનામાં આવેલ સ્‍પેશ્‍યલ પોસ્‍કો કોર્ટમાં ચાલતા સરકારપક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલએ ફરીયાદીની જુબાની, ભોગ બનનાર સગીરાનું નિવેદન, પોલીસ અધિકારીની જુબાની, ડોકટરોની જુબાની, એફએસએલ રીપોર્ટ કોર્ટમાં રજુ કરી આરોપીને કડકમાં કડક સજા કરવા માંગણી કરી હતી.

ઉના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજશ્રી રેખાબેન આસોડીયાએ તમામ પુરાવા, દલીલો માન્‍ય ગણી આરોપી મુકેશ ઉર્ફે પેસન હમીરભાઇ સોલંકી રે. મુળ અંબાડા હાલ સુરત જીલ્લાવાળાને ૧૦ વરસની સખત કેદની સજા અને ૧૦ હજાર રૂપીયા દંડની સજા કરી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને રૂા. ૧ લાખ ચુકવવા જીલ્લા લીગલ સર્વિસ ઓથોરીટીને ભલામણ કરતો હુકમ કરેલ હતો.

જાણવા મળતી વિગત મુજબ આરોપી મુકેશ સોલંકી કેસ ટ્રાયલ ઉપર હતો ત્‍યારે હાઇકોર્ટમાંથી જામીન મેળવેલ પેરોલ પુરી થવા છતા પરત ન આવતા બે વરસ ફરાર રહેલ પછી પોલીસે પકડી જેલમાં મોકલી આપેલ હતો. ચુકાદો આવ્‍યો ત્‍યાં સુધી જેલમાં રહેલ હતો

(11:51 am IST)