Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વીજચોરો સામે તંત્રની લાલ આંખઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુર તાલુકાનાં વિસ્‍તારોમાં પીજીવીસીએલના વ્‍યાપક દરોડા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ :.. છેલ્લા કેટલાંક સમયથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિજચોરીનું દુષણ એટલું વ્‍યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવતાયુકત અને સાતત્‍યપૂર્ણ વીજ પુરવઠો પુરી પાડવાની કટિબધ્‍ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઉભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજીંદી કામગીરી ઉપરાંત આવા તત્‍વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ કયારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિં, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબધ્‍ધ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજ તંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઇજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઇજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારો-જિલ્લાઓમાં ઇજનેરોની સંખ્‍યાબંધ ટૂકડીઓ દ્વારા સામૂહિક વીજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરીને આવા તત્‍વોને સબક શીખવવામાં આવે છે.

ગઇકાલ તા. ૩૧-૧-ર૦ર૩ ના રોજ આવી જ ઇન્‍સ્‍ટોલેશન ચેકીંગ ડ્રાઇવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિભાગીય કચેરી હેઠળની કલ્‍યાણપુર તેમજ ભાટીયા પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારોમાં એસ. આર. પી. સ્‍ટાફ તથા પોલીસ સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઇજનેરોની કુલ ૩૩ જેટલી વીજ ચેકીંગ ટીમો દ્વારા વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૩૬૭ જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્‍યા હતાં, જે પૈકી ૬પ વીજ જોડાણોમાં જુદા જુદા  પ્રકારની ગેરરીતિ માલૂમ પડતા કુલ રૂા. ૧૮.ર૦ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યા હતાં. નોંધનીય છે કે એપ્રિલ -રર થી ડીસેમ્‍બર રર ના સમયગાળા દરમિયાન જામનગર વર્તુળ કચેરી હેઠળ કુલ ૪ર૬૯૦ વીજ જોડાણો ચકાસવામાં આવ્‍યા છે. જેમાંથી કુલ પ૬૧૬ વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂા. ૧૭.૪૮ કરોડના દંડનીય આકારણીના બીલ આપવામાં આવ્‍યા છે. જયારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોકત સમયગાળા  દરમિયાન કુલ ૪૯૦૩પ૮ વીજ જોડાણો ચકાસીને કુલ પ૭૮૧પ વીજ જોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂા. ૧૪૮.ર૯ કરોડના બિલ આપવામાં આવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભૂજ અને અંજાર ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અનેક સ્‍થળોએથી ખાનગી ટ્રાન્‍સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્‍દ્રનગર પંથકમાં આવેલી લાઇમસ્‍ટોરન્‍સની અનેક ખાણોમાં ઓચિંતુ ચેકીંગ કરીને કરોડો રૂપિયાની વીજ ચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરીયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્‍યાને આવતા આવા તત્‍વો પર પણ લગામ કસવામાં આવી છે.

આગામી દિવસોમાં ચેકીંગની આ ઝૂંબેશને વધુ વ્‍યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજ તંત્રના સૂત્રોએ જણાવ્‍યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજ ચોરીમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

(1:31 pm IST)