Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબીમાં એમ્બ્યુલન્સમાં પ્રસુતિ : મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા સ્ટાફે એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી.

મોરબી :  રાજ્યની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. મોરબીમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા એક પ્રસુતા માટે દેવદૂત સાબિત થઈ હતી. મોરબીમાં આરોગ્ય કર્મીઓની સમયસૂચકતાની ઘટના સામે આવી છે. જ્યાં પ્રસૂતાને અચાનક સગર્ભાવસ્થાની પીડા ઉપાડતા તેની એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રિના 11:00 વાગ્યાની આસપાસ બેલા (આમરણ) ગામમાં રહેતા આદિવાસી મહિલા સુરતીબેન ઘટાભાઈને પ્રસૃતિ પીડા ઉપડી હતી જેથી ૧૦૮ ટીમને જાણ કરતા મોરબી 108 ટીમના ઇએમટી નિતેશભાઈ ભીમાણી, પાયલોટ ભાવેશભાઈ ગોસાઈની ટીમ તુરંત પહોંચી હતી અને સગર્ભા મહિલાને હોસ્પિટલ ખસેડવા તજવીજ આદરી હતી જોકે હોસ્પિટલ પહોંચાડવાનો સમય ના હોવાથી 108ના આરોગ્ય કર્મી દ્વારા એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી. ત્યારબાદ બાળક અને માતાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બાળકને માતા બંને સ્વસ્થ છે તેવું 108 ની ટીમ પાસેથી જાણવા મળ્યું છે

   
(11:48 pm IST)