Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગોંડલ પાલિકામાં ગત ચૂંટણી કરતા આ વખતે ૧૦ ટકા ઓછુ મતદાન

સૌથી વધુ વોર્ડ નં. ૪માં ૫૯.૦૯ ટકા અને સૌથી ઓછુ વોર્ડ નં. ૭માં ૪૩.૬૧ ટકા : લગ્નસરાની સિઝનમાં નવદંપતિઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો

પ્રથમ તસ્વીરમાં સાંસદ રમેશભાઇ ધડુક, બીજી તસ્વીરમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ત્રીજી તસ્વીરમાં કુમાર સાહેબ જયોતિર્મયસિંહજી ચોથી અને પાંચમી તસ્વીરમાં નવદંપતિ, છઠ્ઠી તસ્વીરમાં સીમંત વિધી વખતે મતદાન, સાતમી તસ્વીરમાં વૃધ્ધ મહિલાઓ, આઠમી તસ્વીરમાં દિવ્યાંગ મતદાર, નવમી તસ્વીરમાં ઇવીએમમાં ખોટકો આવતા રીપેરીંગ કાર્ય તથા દશમી તસ્વીરમાં દર્દીએ મતાધિકારનો ઉપયોગ કર્યો તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નગરપાલિકાની ૩૯ બેઠક, તાલુકા પંચાયતની ૨૧ બેઠક અને જિલ્લા પંચાયતની ૫ બેઠક ને લઇ મતદારોએ મતદાન પર્વ ઉજવ્યો હતો જેમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા દાસી જીવણ હાઇસ્કુલ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા વોર્ડ નંબર બે ખાતે મતદાન કરવામાં આવ્યું હતું ગોંડલ હવા મહેલ રાજવી પરિવારના કુમાર જયોતિર્મયસિંહજી એ દાસી જીવણ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યું હતું લગ્નસરાની સિઝન હોય મોવિયા ગામે બે બહેનોએ અને દેરડી કુંભાજીમાં કન્યાએ લગ્નના ચાર ફેરા ફરવાની પહેલા મતદાન કરી પવિત્ર ફરજ અદા કરી હતી જયારે ગોંડલ શહેરમાં વરરાજા નવવધુ અને ૩૦ જાનૈયાઓ સાથે મતદાન મથકે મત આપવા પહોંચ્યા હતા. વૃદ્ઘો અને મહિલાઓએ પણ મતદાન કર્યું હતું પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં હરખ દેખાયો હતો. એકંદરે શહેર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું.

શહેર તેમજ પંથકના ચૂંટણી દરમ્યાન કોઈપણ જાતની ક્ષતિ ન સર્જાય તે માટે પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ, મામલતદાર કચેરી ની ટીમ ખડે પગે રહી હતી જયારે કોઈ અનિચ્છનીય દ્યટના ન બને તે માટે નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા અને પોલીસ ટીમે ચુસ્ત બંદોબસ્ત દાખવ્યો હતો.

નગરપાલિકામાં ૫૨.૭૨ ટકા મતદાન નોંધાયું હતું વોર્ડ નં. ૪ સૌથી વધુ ૫૯.૦૯ ટકા અને વોર્ડ નં. ૭ ઓછું ૪૩.૬૧ % મતદાન નોંધાયું હતું તાલુકા પંચાયતમાં ૫૭.૬૦ ટકા મતદાન નોંધાયું હતું સૌથી વધુ મતદાન શેમળા ગામે ૭૪.૨૦ ટકા નોંધાયું હતું અને ઓછું મતદાન ૪૫.૨૯ ટકા ગામે નોંધાયું હતું જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં ૫૮.૧૧ ટકા મતદાન નોંધાયું હતું સૌથી વધુ કોલીથડ ગામે ૬૫.૮૯ ટકા નોંધાયું હતું અને ઓછું ચરખડી ગામે ૫૨.૭૩ ટકા નોંધાયું હતું.

ઇવીએમમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ ચંદુભાઇ ડાભી, પુર્વ ઉપ પ્રમુખ અર્પણાબેન આચાર્ય, રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા જેવાં દિગ્ગજ ચહેરાંનાં ભાવી કેદ થવાં પામ્યા છે.

(12:10 pm IST)