Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ઉનાઃ કાકા અને પિતરાઇની હત્યા કરનાર ભત્રીજો ઝડપાયો

ખેતરમાંથી રસ્તો કાઢવા પ્રશ્ને માથાકુટમાં ભત્રીજો ડબલ મર્ડર કરી નાસી છૂટેલઃ આરોપી પાસેથી છરી કબ્જે કરી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧ :.. તાલુકાના વડમાં ચાંચકવાડમાં ખેતરમાંથી રસ્તો કાઢવા પ્રશ્ને સગા કાકા અને પિતરાઇ ભાઇની છરીના ઘા મારી બન્નેની કરપીણ હત્યા કરનાર આરોપી ભત્રીજો ધર્મેશ કેશુભાઇ રાણાવાયાને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડયો છે.

તાલુકાના ચાંચકવાડ ગામ પાસે હનુમાનજીના  તપોવન મંદિર નજીક ગઇકાલે સાંજે લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં ભત્રીજા ધર્મેશ કેશુભાઇ રાણાવાયાને તેના સગા કાકા મેર પ્રતાપભાઇ રાજશીભાઇ રાણાવાયા, પીતરાઇ મેર ભરત પ્રતાપભાઇ રાણાવાયા સાથે ખેતરમાંથી પસાર થતા રસ્તાના ખેડાણ બાબતે બોલાચાલી શરૂ થઇ હતી અને ઉશ્કેરાટમાં આવીને ભત્રીજા ધર્મેશે ગુપ્તી વડે કાકા અને પીતરાઇ ભાઇ પર તુટી પડી આડેધડ અસંખ્ય ઘા ઝીકી દીધા હતાં. અને ડબલ મર્ડર કરી નાસી ગયેલ હતો. આ હુમલામાં ગંભીર બન્ને ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ઉના હોસ્પીટલમાં લઇ ગયા હતાં. જયાં ફરજ પરના તબીબે બન્ને મૃત જાહેર કરી રસ્તામાં જ દમ તોડી દીધો હોવાનું જણાવેલ હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી ગયો હતો. આરોપી ધર્મેશ પાસેથી હત્યામાં વપરાયેલી છરી પોલીસે કબ્જે કરી છે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર વી. એમ. ચૌધરી ચલાવી રહેલ છે.

(11:42 am IST)