Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જસદણ - વિંછીયાના ૭ હજાર ઘરમાં હાઉસ-ટુ-હાઉસ સર્વે કરાયો

લગભગ ૫૦૦ને બ્લડ પ્રેસર, સવા ચારસોને ડાયાબીટીસ હોવાનું માલૂમ પડયું : દરરોજ ૫૦ ઘરનો સર્વે કરાય છે : પૂજા સરવૈયા : કોરોના સામેના જંગમાં આશા અને આંગણવાડી બહેનો બની કોરોના વોરિયર

રાજકોટ તા. ૧ : કોરોનાની મહામારીનો સામનો કરવા રાજય સરકારના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્યકર્મીઓ દિવસ રાત કાર્યરત છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે આશા  અને આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા કોરોના વાયરસ સંદર્ભે જસદણ-વીંછીયા તાલુકામાં  હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જસદણ તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.કે.રામના જણાવ્યા અનુસાર જસદણ તાલુકાના ૯ જેટલાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કુલ ૩ હજારથી વધુ ઘરનો સર્વે કોરોના વાયરસ અંતર્ગત કરાયો છે. જેમાં બીપીની તકલીફ હોય તેવા ૩૭૯ લોકો, ડાયાબીટીસના ૩૨૬ દર્દીઓ, ૮ અસ્થમાના દર્દીઓ અને ૮ લોકો હૃદયની તકલીફ ધરાવે છે.ઙ્ગ

વીંછીયા તાલુકાના ૬ ગામમાંથી કુલ ૩૯૫૨ જેટલાં ઘરનો સર્વે કરવામાં આવ્યો જે પૈકી ૧૦૧ લોકોમાં બી.પી. અને ૧૦૬ લોકોમાં ડાયાબીટીસના લક્ષણો જોવા મળ્યા હતાં. જસદણ તાલુકામાં ૧૭૩ અને વિછિયા તાલુકામાં૧૬૦ આશાવર્કર કામ કરી રહી છે.

 વિરનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આશા વર્કર પૂજા સરવૈયા કહે છે કે તેઓ દરરોજ ૫૦ ઘરોના સર્વે કરે છે. જેમાં કોઇને કઇ બિમારી હોય તો આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા મોકલવામાં આવે છે. અમારી સૌ આશા વર્કર બહેનો દ્વારા દરેક ઘરોમાં સમજાવવામાં આવે છે કે તેઓ સ્વચ્છતા જાળવે, વારં વાર હાથ ધોવે, કામ વિના બહાર ન જાય, ગરમ પાણી પીવે. અમારા આરોગ્ય કેન્દ્ર દ્વારા અમને અપાયેલ ઉકાળા, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ નિયમિત રીતે આપવામાં આવે તથા બાળકો અને વૃધ્ધોનું ધ્યાન રાખવામાં આવે.

(11:13 am IST)