Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મોરબી સિરામિક ઉદ્યોગ વિરોધી પગલાં મુદ્દે રાજસ્થાન સરકારને ફટકો પડયો

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને હાઈકોર્ટના આદેશ સામે સ્ટે આપવાની ના પાડી છે

જયપુર,તા.૧ : મોરબી સિરામિક ઉદ્યોગ અને મિનરલ્સ ઉદ્યોગની તરફેણમાં રાજસ્થાન હાઈકોર્ટે આપેલા ચુકાદા સામે રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. જેમા, સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને હાઈકોર્ટના આદેશ સામે સ્ટે આપવાની ના પાડી છે. આ અરજી પરની વધુ સુનાવણી આગામી દિવસોમાં થશે. રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાનું રાજસ્થાન સરકાર પાલન કરતી ન હોવાથી તેની સામે મોરબી સિરામિક એસો. અને અન્ય અરજદારોએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી અને સુપ્રીમ કોર્ટમાં કેવિએટ પણ કરેલી છે.

૨૦૧૮ અને ૨૦૧૯માં રાજસ્થાન સરકારે પરિપત્ર બહાર પાડીને ખનીજ ફેલ્ડસ્પારના પત્થર, ગ્રેઈન્સ, ચિપ્સ અને ગીટીને રાજય બહાર મોકલવા પર રોક લગાવી દીધી હતી. આ તમામ વસ્તુઓ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે કાચા માલ સમાન છે. જેથી, રાજસ્થાન સરકારના નિર્ણય સામે મોરબી સિરામિક એસોસિએશન અને અન્ય લોકોએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં, તેમની રજૂઆત હતી કે, રાજસ્થાન સરકારે તેમના જૂની ટેકનોલજીવાળા બોલ બિલના સ્થાનિક ઉદ્યોગકારોના હિતમાં આ પરિપત્ર બહાર પાડયા છે. જો કે, તેના લીધે એક રાજયમાં બીજા રાજયમાં થતાં વેપાર અને વાણિજયને અસર થઈ છે. જે ગેરકાયદે છે. એપ્રિલ ૨૦૨૦માં હાઈકોર્ટે રાજસ્થાન સરકારના આ બંને પરિપત્રને રદ કરી દીધા હતા. હાઈકોર્ટનુ અવલોકન હતુ કે, એક રાજયમાંથી બીજા રાજયમાં ખનીજને મોકલવા પર રાજસ્થાન સરકાર રોક લગાવી શકે નહીં. રાજય સરકાર આ પ્રકારનો પ્રતિબંધ ત્યારે જ લગાવી શકે કે, જયારે ગેરકાયદે ખનન થતુ હોય અથવા તો ખનીજનું સ્ટોરેજ થતું હોય.મહત્વનુ છે કે, મોરબીએ સિરામિક ઉદ્યોગનુ હબ છે. જેમાં, ફેલ્ડસ્પાર ખનીજ એ કાચા માલ તરીકે વપરાય છે. મોરબીમાં, ગ્રેઈન્સ, ચિપ્સ અને ગીટ્ટીને પીસીને ગુણવત્ત્।ાવાળી માટી બનાવવાની અદ્યતન ટેકનોલજી વિકસેલી છે. જે માટીને સિરામિક ઉદ્યોગકારો ઉપયોગમાં લે છે.

(11:23 am IST)