Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

તહેવારોમાં ખોડલધામ મંદિર બંધ રહેશે

મહમારીના પગલે ૯ થી ૧૬ ઓગષ્ટ સુધી મંદિર પરિસર સંપૂર્ણપણે બંધ : કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પણ હવે કોરોના વાઇરસ ભયાનક રૂપ ધારણ કરી ચુકયો છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ સહિતના તહેવારો આવી રહ્યા છે. તહેવારોના દિવસોમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તહેવારના આ દિવસોમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મંદિરના દ્વાર ભકતો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રી ખોડલધામ મંદિરે તહેવારના દિવસોમાં બહોળી સંખ્યામાં ભકતો ઉમટી પડતા હોય છે. જો કે હાલ કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભકતો એકઠાં ન થાય તે માટે સંપૂર્ણ મંદિર પરિસર જ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ખોડલધામ મંદિર પરિસર ૯ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા હિતકારી નિર્ણય લેવાયો છે. ત્યારબાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે જેની સૌ ભકતોએ નોંધ લેવી.. લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા ખોડલધામ  દ્વારા અપીલ કરાઈ છે.(

(12:57 pm IST)