Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી પોલીસે રૂ,1.94 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દીધું

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરાયો

મોરબી જિલ્લામાં બે અલગ અલગ સ્થળે ખુલ્લી જગ્યાએ બે દિવસ દરમિયાન રૂ.1.94 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરાયો હતો.

મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષમાં પ્રોહીબિશનના ગુન્હામાં જપ્ત કરવામાં આવેલો વિદેશી દારૂનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં મોરબી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂ. 1,94,63,690 નો વિદેશી દારૂ બીયર જપ્ત કરવામાં આવ્યો હતો. આ મોટાપાયે દારૂનો જથ્થો નાશ કરવાનો હુકમ થતા મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ રાજકોટ નશાબંધી વિભાગના અધિકારી, ડે. કલેકટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં મોરબી જિલ્લાના અલગ અલગ સ્થળે ખુલ્લી જગ્યામાં બે દિવસ દરમિયાન દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં 50,353 બોટલ દારૂ, 579 નંગ બીયરના ટીન મળીને કુલ રૂ.1.94 કરોડના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અને આ દારૂનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.

(12:28 am IST)