Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીમાં જુગારનો ખોટો કેસ કરી યુવાનોને ફસાવી દીધાની ધારાસભ્ય કગથરાની મુખ્યમંત્રીને ફરિયાદ: આ બનાવની તપાસ રેન્જ આઈ. જી. કરશે!!

તા.24ના રોજ રાજપર રોડ ઉપર કારખાનામાં જુગાર દરોડામાં યુવાનોને અલગ અલગ જગ્યાએથી ઉપાડી પીઆઇ પંડયાએ કાંડ કર્યાની રેન્જ આઈજીને પણ ફરિયાદ.

   મોરબી સીટી એ ડિવિઝન હદ વિસ્તારમાં ગત તા.24ના રોજ પીઆઇ પંડયાએ છ યુવાનોને ખોટા જુગાર કેસમાં ફસાવી દીધાનો સણસણતો આક્ષેપ ટંકારા – પડધરી મતવિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કરી રાજ્યના મુખ્યમંત્રી અને રેન્જ આઈજીને લેખિત પત્ર પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ધારાસભ્ય લાલિતભાઈ કાગથરાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆત અક્ષરશઃ નીચે મુજબ છે. રજુઆત તેઓએ જણાવ્યા છે કે, મારા મતવિસ્તારમાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ પંડયા દ્વારા પોતાની કામગીરી બતાવવા યુવાનો ઉપર જુગાર અને કલબ ચલાવના ખોટા કેસ ઉભા કરી ફસાવવામાં આવી રહ્યા છે. જેની મારી જાણમાં આવેલ માહિતી નીચે રજુ કરેલ છે.
મારા મતવિસ્તારમાં આવતા રાજપર રોડ, શનાળા પાસે આવેલ સીટી સ્ટીલ એન્ડ એલયુમીનીયમ પાસેથી તા. ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ સાંજે આશરે ૭ કલાક અને ૧૫ મીનીટે મહેશભાઈ બાલજીભાઈ ચનીયારા અને કિશોરભાઈ છગનભાઈ ચનીયારાને જુગારનો આરોપ નાખી ચાર પોલીસ સભ્યો બન્નેને તેમની જ ગાડી લઈને મોરબી એ-ડીવીઝન સીટી પોલીસ સ્ટેશને લઇ ગયેલ હતા.
પોલીસ સ્ટેશનમાં પી. આઈ. પંડયાએ આ બન્ને યુવાનોને ને ઢોર માર મારીને અન્ય ચાર મિત્રોના નામ જણાવવા દબાણ કર્યું જેથી ઉપરોક્ત યુવાનોએ દબાણવશ થઇ મારની બીકે ભૂતકાળમાં તહેવારમાં સાથે બેસતા ચાર નજીકના જાણીતાના નામ આપી દીધા હતા જેમાં ૧) નીલેશભાઈ દેવકરણભાઈ સંઘાણી. ૨) નીલેશભાઈ કેશવજીભાઇ ચનીયારા, ૩) નીલેશભાઈ ચંદુભાઈ ભીમાણી અને ૪) રમેશભાઈ શીવાભાઈ વડનગરા – મોરબીના છે. ઉપરોક્ત લોકો આ સમયે પોત પોતાના ઘરે હતા.
આ દરમિયાન નીલેશભાઈ દેવકરણભાઈ સંઘાણીને મહેશભાઈ ચનીયારાનો ફોન આવતા તે સાંજે આશરે ૮ કલાક ને ૩૦ મિનીટે મોરબી એડીવીઝન સીટી પોલીસ સ્ટેશને ગયા હતા અને બાકીના ત્રણ પૈકી નીલેશભાઈ કેશવજીભાઇ ચનીયારા ને શનાળા બાયપાસ પાસે પરિવાર સાથે તેમના ભાણેજના જન્મદિવસની ઉજવણી નિમિતે જમવા ગયેલ હતા ત્યાંથી તેને બેસાડી આગળ જીઆઇડીસીના નાકા પાસેથી નીલેશભાઈ ચંદુભાઈ ભીમાણીને બેસાડી ને પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા.
ત્યારબાદ રમેશભાઈ શીવાભાઈ વડનાગર પોતાના ઘરે હોઈ પોલીસ સ્ટાફના લોકો કિશોરભાઈ છગનભાઈ ચનીયારાને સાથે લઇ એમના રવાપર રોડ, ક્રિષ્ના સ્કુલ પાછળ આવેલ આઈડીયલ એપાર્ટમેન્ટ પર ગયા અને ફોન કરી પાર્કિંગમાં બોલાવી ત્યાંથી સાથે લઇ આશરે ૮ કલાકનું ૪૫ મિનીટ થી નવ કલાક વચ્ચે મોરબી એ ડીવીઝન સીટી પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાંર બાદ આ બધા જ છ સભ્યોને તેમની પોતાની ગાડીમાં ઉપરોકત કારખાના સ્થળે સીટી સ્ટીલ એન્ડ એલયુમીનીયમ પર લઇ ગયા જ્યાં બધાં ને મારી ધમકી આપી પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું અને કિશોરભાઈની ગાડીમાં રહેલ ત્રણ લાખ રૂપિયા જપ્ત કર્યા અને વધારાના છ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું દબાણ કર્યું જેથી શૈલેષભાઈ ભાલજીભાઈ ચનીયારાએ રકમ લઇ ને આપી ગયા. આ બધી જ રકમ સાથે રાત્રે ૧૦.૪૫ થી ૧૧ વાગ્યાના સમયે આ છ યુવાનોને ધમકી આપી દબાણ કરી જુગાર રમવા મજબુર કર્યો તથા તેની નાટકીય રીતે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને જુગારના કલબ ચલાવતા હોય એવી સ્ટોરી બનાવી બધા સામે એફ આઈ આર દાખલ કરી ફરી પાછા પોલીસ સ્ટેશને લઇ ગયા.
ઉપરોક્ત ઘટનામાં પીઆઈ પંડયા તથા તેમના સાથી પોલીસ સભ્યો દ્વારા પોતાની અંગત કામગીરી દર્શાવવા દબાણવશ મજબુર કરી ખોટી ફરિયાદ દાખલ કરેલ અને ત્યાનું સીસીટીવીનું ડીવિઆર પણ જપ્ત કરી લીધેલ જો આ કારખાનાના સીસીટીવીના ફૂટેજ તપાસવામાં આવે તો ઉપરોક્ત ઘટનાની સઘળી હકીકત બહાર આવે એમ છે. આ સિવાય નજીકના કારખાનાના ફૂટેજ તેમજ રમેશભાઈના એપાર્ટમેન્ટના ફૂટેજ તપાસવામાં આવે તો સમયરેખા જાણી શકાય તેમ છે.
વધુમાં એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી અને આ યુવાનોના મોબાઈલ લોકેશન અને કોલ હિસ્ટરી તપાસવામાં આવે તો આ નાટકીય કેસની સંપૂર્ણ સત્ય માહિતી મળી શકશે.
આ દરમ્યાન હજું પણ પીઆઈ પંડ્યા મારફત આ યુવાનોને ધમકી આપવામાં આવેલ છે કે આ કેસ બાબતમાં કોઈ ઉચ્ચ અધિકારીને અરજી કરવામાં આવશે તો અન્ય બીજા કેસમાં પણ ફીટ કરી દેવામાં આવશે. તો આ કેસ બાબતે આપ યોગ્ય તપાસ કરાવી આ યુવાનોને ન્યાય અપાવશો એવા વિશ્વાસ સાથે લલિતભાઈ કગથરાએ રેન્જ આઈજી અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
અંતમાં ધારાસભ્ય લલિતભાઈએ ઉમેર્યું હતું કે સમગ્ર પ્રકરણમાં રેન્જ આઈજીને રૂબરૂ રજુઆત કરવામાં આવતા ડીવાયએસપી મારફતે તપાસ કરવા ખાતરી આપી હોવાનું તેમને જણાવ્યું હતું.
અકિલા સાથેની વાતમાં રેન્જ આઈ.જી. સંદીપસિંહ એ જણાવ્યુ હતુ કે, આ બનાવની તટસ્થ તપાસ થાય તે માટે તપાસ સુરેન્દ્રનગર પોલીસ ને સોંપવામાં આવી છે.

(9:07 pm IST)