Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જિલ્લા વિકાસ અધિકારીરી ભવ્ય વર્માએ કચ્છ જિલ્લામાં લમ્પી વાઈરસની સ્થિતિને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી

પશુઓના રસીકરણ, આઈસોલેશન અને સારવારને લઈને વહીવટીતંત્ર સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે:જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા

ભુજ :કચ્છ  જિલ્લામાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી વાઈરસને લઈને જિલ્લા વિકાસ અધિકારી  ભવ્ય વર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વહીવટીતંત્રની કામગીરી વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર લમ્પી વાઈરસને નાથવા માટે સતર્કતાથી પશુઓના રસીકરણઆઈસોલેશન અને સારવાર બાબતે કામગીરી કરી રહ્યું છે. લમ્પી વાઈરસના લીધે મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહનો નિકાલ પણ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. ગ્રામ પંચાયત લેવલ સુધી આ માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. 

તેઓએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં ઉમેર્યું કે કચ્છમાં અંદાજે ૧,૮૬,૦૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. અંદાજે ૧૫ દિવસમાં કચ્છ જિલ્લામાં તમામ પશુઓના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. વધારેમાં વધારે રસીકરણ થઈ શકે અને તેમાં જરા પણ વિલંબ ના થાય તે માટે વેટરનરી કોલેજના અંતિમ વર્ષના ૩૦૦ વધારે વિદ્યાર્થીઓને પણ કચ્છમાં આ કામગીરીમાં જોડવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે સરકાર દ્વારા લમ્પી વાઈરસને ગંભીર રીતે લઈને રસી અને અન્ય સુવિધાઓમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. રસીના ડોઝની પૂરતી સંખ્યા કચ્છમાં ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લામાં સૌથી વધારે પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

તેઓએ ગાયોના મૃતદેહના વાઈરલ વીડિયોને લઈને પણ સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે ભુજ નગરપાલિકાના વિસ્તારમાં આવેલી નાગોર ડમ્પીંગ સાઈટ એ સાર્વજનિક સાઈટ છે. અહીં નગરપાલિકા અને અન્ય વિસ્તારમાંથી સામાન્ય દિવસોમાં પણ દરરોજ મૃત પશુઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે. જેથી ૨૯ જુલાઈના રોજ જે પશુઓના મૃતદેહના નિકાલમાં વિલંબ થયો હતો તેનો વીડિયો 30 જુલાઈના રોજ વાઈરલ થયો હતો. આ વિલંબ કોન્ટ્રાકટર દ્વારા કોઈ કારણોસર દ્વારા થયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ સ્વયં ત્યાં મુલાકાત લઈને હવેથી પશુઓના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ થાય તેની સૂચના આપી હતી. હાલ આ ડમ્પીંગ યાર્ડમાં પશુઓના કોઈપણ મૃતદેહ ખુલ્લામાં નથી અને તેનો યોગ્ય ગાઈડલાઈન મુજબ નિકાલ કરવામાં આવ્યો છે.

 

(9:49 pm IST)