Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મુખ્ય સચિવ પંકજકુમારે કચ્છમાં લમ્પીની સ્થિતિ અંગે કરી સમીક્ષા

લમ્પીગ્રસ્ત પશુઓના રસીકરણ, સારવાર અને આઇસોલેશન માટે ભાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 રાજયના મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગ વાયરસના સંક્રમણને ધ્યાને લઇ કલેકટર કચેરી, ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવશ્રી પંકજકુમારે કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસ બાબતની જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા પાસેથી વિગતે માહિતી જાણી હતી તેમજ વર્તમાન પરિસ્થિતિ અને અસરગ્રસ્ત પશુ અને વિસ્તારોની વ્યવસ્થા તેમજ બિન અસરગ્રસ્ત પશુઓમાં તકેદારી બાબતે વાકેફ થયા હતા.

હાઈટેક પધ્ધતિથી ઉપલબ્ધ સંશાધનો દ્વારા પારદર્શક સારવાર, કાળજી, રસીકરણ, આઈસોલેશન સેન્ટરના ઉપયોગ તેમજ અસરગ્રસ્ત પશુધન અને બિનઅસરગ્રસ્ત પશુઓમાં તેમજ સરહદી જિલ્લા વિસ્તારમાં પશુ રસીકરણ કરવા પર સચિવશ્રીએ ભાર મુકતાં માર્ગદર્શક સૂચનો રજુ કરી સ્થાનિકેથી સતર્કતાની અમલવારીથી રોગ નિયંત્રણ લાવવા પર ભાર મૂકયો હતો. જિલ્લાના પશુધનના રસીકરણ, સારવાર અને આઈસોલેશનવાળા પશુઓ પર ધ્યાન રાખવા જણાવી દૈનિક કામગીરીની પરિણામલક્ષી વિગતોથી લમ્પી રોગને અંકુશમાં લેવાના પગલાંને સબંધિતોને સાર્વત્રિક માહિતગાર કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

લમ્પીથી અસરગ્રસ્ત જિલ્લાના ૫૪૮ ગામોમાં ૧૬૪૯૮૧ પશુઓને રસીકરણ, કુલ ૪૩૭૩૧ પશુઓને સારવાર અપાઇ છે તેમજ જિલ્લાની ૧૦૨ પાંજરાપોળ, ગૌશાળામાં ૫૩૦૭ અસરગ્રસ્ત તમામને સારવાર રસીકરણ કરાયેલ છે. આ માટે ૨૬ આઈસોલેશન સેન્ટરમાં ૭૫૪ પશુઓની સારવાર ૫૮ મોબાઈલવાન સહિત ૭૨ ટીમના કુલ ૧૦૩ નિષ્ણાંત માનવબળ સારવારમાં છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વર્માએ જણાવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃત પશુદેહ નિકાલના ગ્રામ પંચાયત સ્તરેથી કરવાની અમલવારી તેમજ રખડતા ઢોરની સારવાર બાબતે ગ્રામ પંચાયત તેમજ જવાબદાર માલિકને દંડની જોગવાઇ બાબતે ચર્ચા કરાઈ હતી. ગ્રામ્ય અને નગરપાલિકાઓમાં રોગ નિયંત્રણ દવા છંટકાવ, ફોગીંગ તેમજ સાવચેતીના પગલાં બાબતે પણ વિગતે ચર્ચા કરાઈ હતી.

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના ગાય પશુધનમાં રસીકરણમાં માનવબળ જરુરિયાત વ્યવસ્થા અંગે રજુઆત કરાતા રાજય સરકાર દ્વારા ૩ હજાર પશુપાલન તબીબી અભ્યાસ કરેલાં અને ભણતાં વિધાર્થીઓને રસીકરણ કામે લગાડાશે એમ મુખ્ય સચિવશ્રીને માહિતગાર કરતા પશુપાલન નિયામકશ્રી ડો.ફાલ્ગુની ઠાકરે જણાવ્યું હતું. હાલમાં કચ્છમાં મુન્દ્રા, માંડવી, અંજાર તાલુકામાં રસીકરણ પર વધુ ભાર અપાઇ રહયો છે તેમજ કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં લમ્પી રોગ પ્રભાવી હતો તે નિયંત્રણમાં છે એમ પણ શ્રી ઠાકરે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ આ તકે તેમને કચ્છમાં જિલ્લા સરહદી વિસ્તારોમાં સારવાર, પશુ પરિવહન ચેકપોસ્ટ સતર્કતા, રસીકરણ અને જનજાગૃતિ લાવવા પર ભાર મૂકયો હતો.

પ્રાદેશિક નગરપાલિકાઓ રાજકોટના કમિશનરશ્રી ડો.ધીમંત વ્યાસે ૩૬ નગરપાલિકાઓ, રબારીવાસ વિસ્તારો, પાંજરાપોળો, ગૌશાળા અને અસરગ્રસ્ત વિસ્તારમાં ભરેલાં તકેદારીના પગલાં અને સારવારની વિગતો રજુ કરી હતી. નગરપાલિકાના આઈસોલેશન સેન્ટરની વિગતો રજુઆત કરાઈ હતી.

મુખ્ય સચિવશ્રીએ દૈનિક પ્રોએકટીવલી વ્યવસ્થા, દૈનિક સાફ સફાઇ, કામકાજનું વર્ચ્યુઅલી મોનીટરીંગ, ટેકનોલોજીના માધ્યમથી રિપોર્ટીંગના આધારે સત્વરે પશુઓની સાર સંભાળ અને કાળજીનાં પગલાં ભરવા તેમજ રખડતા નંદીઓની વ્યવસ્થા બાબતે પણ સૌ સાથે સમીક્ષા કરી હતી.

આરોગ્ય વિભાગના સંકલનમાં રહી ઋતુજન્ય રોગોના અગમચેતીથી અમલમાં લેવાના પગલાં ભરવા, લોકોમાં આ બાબતે વધુ જનજાગૃતિ ફેલાવવા પણ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. જેમ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે સંકલન સહયોગથી પરિણામલક્ષી કામગીરી કરાઇ છે તેમ પશુઓ માટે પણ ચોકસાઇ અને સારવારનો અભિગમ રાખવા શ્રી પંકજકુમારે અનુરોધ કર્યો હતો. તેમજ હાલે જિલ્લામાં કરાયેલી લમ્પીની કામગીરીનો તેમણે સંતોષ વ્યકત કર્યો હતો.

રાજયમાં લમ્પી ચર્મરોગ અસરગ્રસ્ત ૧૪ જિલ્લાઓ તેમાં વિશેષ કચ્છ, બનાસકાંઠામાં નિષ્ણાંત વધુ ટીમ સક્રિય કરાશે તેમજ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ૨૪x૭ રસીકરણ કરાય. અસરગ્રસ્ત પશુઓના આહાર વિહાર રહેઠાણની સ્વચ્છતા પર વિશેષ કામગીરી કરાય તેમજ દૈનિક મુલાકાતો અને નિરીક્ષણ અને જરૂરી ફેરફારના આયોજન ટેકનોલોજી દ્વારા સબંધિત સૌને જણાવવા પર ચર્ચા કરાઈ હતી. લમ્પી અસરગ્રસ્ત અને બિનઅસરગ્રસ્ત પશુ પર માર્કો લગાવવાનું તેમજ તમામ પશુઓના રસીકરણ કરવાનો વેગ વધારવા જણાવ્યું હતું.

આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ (રેવન્યુ) અને સી.ઈ.ઓ. જી.એસ.ડી.એમ.એ.શ્રી કમલ દયાની, અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનરશ્રી શાહમીના હુસેન, મહેસૂલ અને સહકાર, પશુપાલન, ગાય સંવર્ધન મત્સ્યપાલન સચિવશ્રી કે.જી.ભીમજીયાણી, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટશ્રી ડો.ધીમંત વ્યાસ, સંયુકત નિયામક NVBDVPશ્રી ડો.આર.બી.પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., પશુપાલન નિયામકશ્રી ડો.ફાલ્ગુનીબેન ઠાકર, લમ્પી નિયંત્રણ આયોજન માટે ખાસ નિમણુંક સંયુકત નિયામકશ્રી ડો.એસ.પી.ભગોરા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારીશ્રી ડો.હરેશભાઇ ઠકકર, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફુલમાલી ઉપસ્થિત રહયા હતા.

(10:56 am IST)