Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અરવિંદ કેજરીવાલની વેરાવળમાં જાહેરસભા : ખેડૂતો માટે મોટી જાહેરાતની શક્‍યતા

સાંજે રાજકોટ આવશે અને સંજયરાજ રાજગુરૂ કોલેજ કેમ્‍પસમાં શિવધામમાં સંધ્‍યા આરતીનો ‘આપ'ના સુપ્રિમો લાભ લેશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧ : આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોર બાદ વેરાવળમાં જાહેરસભા સંબોધવા આવી રહ્યા છે. ત્‍યારબાદ સાંજે રાજકોટ ખાતે સંજયરાજ રાજ્‍યગુરૂ કોલેજ કેમ્‍પસમાં શિવધામમાં સંધ્‍યા આરતીનો લાભ લેશે.
આજે બપોરે ૧ વાગ્‍યે પોરબંદર એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે. ત્‍યાંથી અરવિંદ કેજરીવાલ વેરાવળ ખાતે જવા રવાના થશે. વેરાવળમાં બપોરે ૩ વાગ્‍યે કેસીસી ગ્રાઉન્‍ડ (રેલવે કોલોની) ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે અને આવનારી ચૂંટણીને લઇને એક મહત્‍વપૂર્ણ જાહેરાત કરશે.
આ સભા બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ જવા રવાના થશે. સાંજે ૬.૩૦ વાગ્‍યે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. રાજકોટમાં સંજય રાજગુરૂ કોલેજના ગ્રાઉન્‍ડમાં એક ભવ્‍ય મંદિરની પ્રતિષ્‍ઠાની મહાઆરતીમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે અને મંદિરમાં પૂજા કરશે. અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમ બાદ રાજકોટ એરપોર્ટથી દિલ્‍હી જવા રવાના થશે.
ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, ઇન્‍દ્રનીલ રાજગુરૂ, પ્રવિણ રામ સહિતનાની ટીમ તડામાર તૈયારી કરે છે.
આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય કન્‍વીનર અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં સતત આવી રહ્યા છે અને સૌરાષ્‍ટ્ર પર ખાસ નજર હોય તેવું ચિત્ર ઉપસ્‍યું છે, સાત દિવસમાં સતત બીજી વખત સોમવારે કેજરીવાલ સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.
તા. ૨૬ના રાજકોટ આવ્‍યા હતા, રાજકોટમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પ્રશ્નોત્તરી કરી માહિતી મેળવી હતી અને ગુજરાતમાં આપની સરકાર આવશે તો જીએસટીના સરળીકરણ સહિત પાંચ મુદ્દાઓ પર અમલના વચન આપ્‍યા હતા. રાજકોટના આપના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આગામી તા. ૬ના વડોદરા તથા તા. ૧૦ના ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્‍ટ્રનો કાર્યક્રમ નક્કી થશે.

 

(10:36 am IST)