Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મેંદરડાના ખીજડીયા ગામે દલિત યુવાનની હત્‍યા

રાત્રીના બારેક વાગ્‍યે બનેલી ઘટનાઃ ર૦થી વધુ છરીના ઘા ઝીંકી દેવાયાઃ શકના આધારે પાંચ શખ્‍સોની પૂછતાછઃ નાના એવા ગામમાં સોપો

(ગૌતમ શેઠ દ્વારા) મેંદરડા તા. ૧: મેંદરડાના ખીજડીયા ગામે વાડી વિસ્‍તારમાં જયસુખભાઇ વજુભાઇ મુછડીયા ઉંમર વર્ષ ૩૮ ની રાત્રિના બારેક વાગ્‍યા આસપાસ ર૦ થી વધારે છરીના ઘા મારી તીક્ષણ હથિયારથી હત્‍યા કરવામાં આવતા ચકચાર મચી છે. લાશને મેંદરડા સિવિલ હોસ્‍પિટલ ખાતે લઇ અવાઇ છે. જયાં મેંદરડા સિવિલ હોસ્‍પિટલ ખાતે મોટી સંખ્‍યામાં દલિત સમાજના આગેવાનો હોસ્‍પિટલે આવી પહોંચ્‍યા હતા. જયસુખભાઇના પિતા વજુભાઇ મુછડીયા દ્વારા મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હત્‍યા કરી આરોપી ઘટના સ્‍થળેથી નાસી છૂટયો હતો. જેને લઇ મેંદરડા પોલીસ દ્વારા રાત્રીના સમયથીજ  શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી. શકના આધારે પાંચ જણાને પૂછપરછ માટે મેંદરડા પોલીસ સ્‍ટેશન ખાતે લઇ આવવામાં આવ્‍યા હતા હાલ આગળની કાર્યવાહી પીએસઆઇ મોરી દ્વારા હાથ ધરી હતી. તેમજ ડોગ્‍સ સ્‍કોડ દ્વારા પણ તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી.

લાસ સ્‍વીકારવાનો ઈન્‍કાર

થતાં પોલીસ મુંઝવણમાં

દરમિયાન જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલ મુજબ મેંદરડા તાલુકાનાં ખીજડીયા ગામે રાત્રીનાં જયસુખ મુછડીયા નામનાં યુવાનની હત્‍યા થતાં નાના એવા ગામમાં સોંપો પડી ગયો છે.

અજાણ્‍યા શખ્‍સો તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જયસુખભાઇની હત્‍યા કરીને નાસી ગયા હતા.

રાત્રીનાં ૧૧-૩૦નાં અરસામાં મરનાર ૩૮ વર્ષીય જયસુખભાઇ ઉપર અજાણ્‍યા શખ્‍સોએ ગામના ધણસેરમાં હુમલો કર્યો હતો. જેમાં તેમનું શરીરના જુદા-જુદા ભાગે ગંભીર ઇજા થતા મૃત્‍યુ નિપજયું હતું.

આ અંગેની જાણ થતાં મેંદરડા ખાતેથી પી.એસ.આઇ. કે. એમ. મોરી સ્‍ટાફ સાથે દોડી ગયા હતા અને જયસુખભાઇનાં મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મેંદરડા ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.

આ અંગે મૃતકનાં પિતા વજુભાઇ ઉર્ફે ભાકુભાઇ ખીમાભાઇ મુછડીયાની તેમનાં પુત્ર જયસુખભાઇની હત્‍યા અંગે અજાણ્‍યાં શખ્‍સો સામે ફરિયાદ લઇ મેંદરડા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમ્‍યાન જાણવા મળ્‍યા મુજબ સવારે મૃતકનાં પરિવારજનો તેમજ દલિત સમાજનાં લોકો મેંદરડાની સરકારી હોસ્‍પિટલ ખાતે એકઠા થયા હતા અને તેઓએ જયાં સુધી આરોપીઓ પકડાય નહિં ત્‍યાં સુધી જયસુખભાઇનો મૃતદેહ સ્‍વીકારવાનો ઇન્‍કાર કરતાં પોલીસ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી.

બીજી તરફ કોઇ અનિચ્‍છનીય બનાવ બને નહિં તે માટે જુનાગઢ એ, બી, સી અને તાલુકા વગેરે પોલીસનો બંદોબસ્‍તન ગોઠવી દેવામાં આવેલ છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં યુવાનની હત્‍યાની તપાસ ચલાવી રહેલા મેંદરડાનાં પી.એસ.આઇ. કે. એમ. મોરીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, હત્‍યારાઓની ધરપકડ માટે પોલીસની જુદી-જુદી તપાસ કરી રહી છે.

(11:38 am IST)