Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

૪ લાખના જાલીનોટ કૌભાંડમાં વાંકાનેર - ટંકારા પંથકના ૩ શખ્‍સોને રાજસ્‍થાન પોલીસે દબોચી લીધા

રાજસ્‍થાન ટોલનાકે જાલી નોટ વટાવતા ભાંડો ફુટયોઃ ટંકારાના મિતુલ પટેલની ધરપકડઃ અમરસરના ઇરફાન સહિતના વધુ શખ્‍સોને દબોચી લઇ પૂછતાછઃ રાજસ્‍થાન પોલીસના ટંકારા-વાંકાનેર પંથકમાં ધામા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧: નકલી નોટના કૌભાંડમાં રાજસ્‍થાન પોલીસે વાંકાનેરના સિંધાવદર અમરસર તથા રાજાવડલાના શખ્‍સોને ઉપાડી લેતાં આ બનાવને પગલે વાંકાનેર અને ટંકારા પંથકમાં ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ગામનો મિતુલ પટેલ વાંકાનેરના સિંધાવદર તથા અમરસરના બે મુમના યુવાનો પાસે ચાર લાખની નકલી નોટો સાથે ઇરફાન તથા તેના સાગરીત સાથે મળી ત્રણ લાખ સીત્તેર હજારની નોટો વટાવતા, ભાંડો ફૂટતા રાજસ્‍થાન પોલીસે ૧૦ દિવસ પહેલા ફરીયાદ દાખલ કરેલ. જેના આધારે ટંકારાના મિતુલ પટેલને વાંકાનેર અને ટંકારા પોલીસના સહયોગથી દબોચી લેતા તેમાં ખુલેલી વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદર-કલાવડી-અમરસર તેમજ ચંદ્રપુરની સોસાયટીમાં રાજસ્‍થાન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

રાજસ્‍થાન પોલીસ ટીમે અમરસરથી ઇરફાન મુમનાને દબોચી વધુ પુછપરછ હાથ ધરી છે. ટંકારાનો મિતુલ પટેલ હાલ લોકઅપમાં છે. રાજસ્‍થાન ટોલનાકે નકલી નોટ વટાવતા ત્‍યાં ભાંડો ફૂટતા કેટલાક આરોપીઓને ત્‍યાંજ પકડી લેવાયા હતા.

રાજસ્‍થાન પોલીસ પત્રકારોને વધુ માહિતી ન આપતી હોવાનો અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજસ્‍થાન પોલીસે ટંકારા અને વાંકાનેર પંથકમાં તપાસનો ધમધમાટ શરૂ વધુ કેટલાક શખ્‍સોને દબોચી લીધા છે. આઠેક શખ્‍સો પોલીસના શંકાના દાયરામાં હોવાનું જાણવા મળેલ છે.

(11:40 am IST)