Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વડિયાના ગટરનો પ્રશ્‍ન મુદ્દત પહેલા ઉકેલાયો

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા તા. ૧ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયામાં છેલ્લા ઘણા સમયથી પોસ્‍ટ ઓફિસ સામે આવેલી મુખ્‍યરોડની ગટર તૂટવાથી લોકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા હતા. અને સ્‍કૂલે જતા બાળકો ગટરમાં પડી કાદવ કીચડ વાળા થતા જોવા મળ્‍યા હતા.  મુખ્‍ય રસ્‍તા પરથી ફોરવીલ પસાર કરવુ  જોખમી બન્‍યું હતું. છતાં સ્‍થાનિક તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવતા સ્‍થાનિક મીડિયા દ્વારા આ મુદ્દે પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનીક મીડિયામાં ઝુંબેશ ચલાવાતા તેની અસરના ભાગ રૂપે તાલુકા વિકાસ અધિકારીએ નોંધ લઈ તુરંત તેના સર્કલ અધિકારી  કોટીલાને સ્‍થળ તપાસમાં મોકલ્‍યા હતા. જેમા સરપંચ અને તલાટીને સાથે રાખીને સર્કલ ઓફિસર દ્વારા આઠ દિવસમાં ગટરનો પ્રશ્‍ન પૂર્ણ કરવા મીડિયાના કેમેરા સામે વચન આપ્‍યું હતું.

બીજા જ દિવસે આ કામગીરી શરુ થતા અને બે દિવસ મા તે કામ પૂર્ણ થતા તાલુકા વિકાસ અધિકારીની કચેરીના સર્કલ ઓફિસરે પોતાનું વચન પાળ્‍યું હતું. જોકે આ ગટરમાં વાપરાયેલ પીવીસી પાઇપ કેટલા મજબૂત છે? વર્ષોથી ૧૫દિવસમાં તૂટતી આ ગટર હવે કેટલા સમય સુધી સલામત રહે છે? તે આવનારો સમય જ બતાવશે.પરંતુ હાલ મીડિયા અહેવાલના પગલે તંત્રના સર્કલ અધિકારી દ્વારા અપાયેલ વચનને પાળી સ્‍થાનિક તંત્રને જગાડી વડિયાના લોકોની સમસ્‍યા દૂર કરી હોય તેવુ જોવા મળી રહ્યું છે.

(11:53 am IST)