Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દ્વારકા નજીક પુરપાટ જતા ટ્રકની અડફેટે આધેડનું મૃત્‍યુ

જામ ખંભાળીયા,તા. ૧: દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેકપોસ્‍ટ આગળથી રહેલા એક અજાણ્‍યા ટ્રકના ચાલકે દ્વારકાના રહીશ એવા આરબ સુલેમાનભાઈ લુચાણી નામના ૫૨ વર્ષના મુસ્‍લિમ આધેડને અડફેટે લેતા તેમને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્‍યુ નીપજયું હતું.
આ બનાવની જાણ મૃતકના પુત્ર શકીલ આરબ લુચાણી દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે અકસ્‍માત સર્જીને નાસી છૂટેલા અજાણ્‍યા ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ) તથા એમ.વી. એક્‍ટરની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
સલાયામાં મંજૂરી વગર માછીમારી કરતા વધુ ચાર સામે કાર્યવાહી
સલાયાના દરિયામાં જેટી નજીક માછીમારી કરી રહેલા અજીત કાસમ સંઘાર, ગની જાકુ મોડા, સુલતાન સિદ્દીક સંઘાર અને આરીફ સુલેમાન સુંભણીયા નામના ચાર આસામીઓએ માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેકટરનું જાહેરનામ હોવા છતાં પણ આ જાહેરનામાનો ભંગ કરતા સલાયા મરીન પોલીસ મથકમાં ઉપરોક્‍ત ચારેય આસામી સામે ગઈકાલે રવિવારે આઈ.પી.સી. કલમ ૧૮૮ તથા ગુજરાત મત્‍સ્‍યઉદ્યોગ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.
ભાણવડમાં ત્રણ જુગારીઓ ઝબ્‍બે
ભાણવડના રણજીત પરા વિસ્‍તારમાં પોલીસે મધ્‍યરાત્રિના સમયે જુગાર દરોડો પાડી, આ સ્‍થળેથી મનીષ નવીનચંદ્ર સણથરા, મનસુખ કરસન સોનગરા અને કિશન નવીનભાઈ પરમાર નામના ત્રણ શખ્‍સોને ઝડપી લઈ, કુલ રૂપિયા ૧૦,૨૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

(12:02 pm IST)