Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી આવેલ જગદીશ ઠાકોરના સરકાર, સંગઠન પર ગંભીર આક્ષેપો

દારૂના વેપલામા પોલીસ, નેતાઓ, બુટલેગરની ચોખ્‍ખી ભાગીદારી.. જગદીશ ઠાકોર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા ૧ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આજે મોરબી આવ્‍યા હતા અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને સ્‍થાનિક ધારાસભ્‍યો સહિતના લોકો સાથે બેઠક કરી હતી અને આગામી સમયમાં આવનાર ચુંટણીનું માર્ગદર્શન આપ્‍યું હતું.  લોકોને જાગળત કરવા અને આંદોલન કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી ત્‍યારબાદ પત્રકારોને માહિતી આપતા તેમણે બોટાદ અને બરવાળાના લઠ્ઠા કાંડને ટાંકીને કહ્યું હતું કે આ વર્તમાન સમયમાં કયા જિલ્લાની અંદર કયો બુટલેગર દારૂનો ધંધો કરશે તે સંગઠન દ્વારા નક્કી કરવામાં આવે છે અને દારૂના સમગ્ર નેટવર્કની અંદર પોલીસ ૩૦ ટકા, રાજકીય નેતાઓ ૩૦ ટકા અને બુટલેગર ૪૦ ટકાના ભાગીદાર છે આમ સમગ્ર ગુજરાતની અંદર નેટવર્ક નશાનું ચાલી રહ્યું છે અને જો કોઈ રાજકીય આગેવાન જનતા રેડ પાડે અથવા સામાજિક સંસ્‍થા દ્વારા રેડ કરવામાં આવે તો તેની સામે ઊંધા કેસ દાખલ કરીને તે લોકોને ફીટ કરી દેવાનું કામ હાલમાં સરકાર અને પોલીસ કરી રહી છે.

આમ તો ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ તાજેતરમાં જ ગુજરાતના બોટાદ અને બરવાળામાં જે લઠ્ઠાકાંડ થયો તેમાં લગભગ ૫૭ કરતા વધુ લોકોના મળત્‍યુ થયા છે જેથી કરીને આ લઠ્ઠાકાંડનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર હાલમાં ગુજી રહ્યો છે તેની સાથો સાથ લંપી વાયરસ કે જેના લીધે સમગ્ર સૌરાષ્‍ટ્ર ગુજરાતની અંદર અસંખ્‍ય ગૌવંશના મોત થયા છે તેમ છતાં પણ સરકારી ચોપડે નજીવા આંકડા બતાવવામાં આવી રહ્યા છે ત્‍યારે સમગ્ર ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ અને લંપી વાયરસના મુદ્દે સરકારને ઘેરવા માટેના કાર્યક્રમો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે જેના ભાગરૂપે  મોરબી જિલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને પ્રભારી રામકીશન ઓઝા સહિતના આવ્‍યા હતા ત્‍યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્‍ય લલીતભાઈ કગથરા અને મહમદ જાવીદ પીરજાદા સહિતના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આગામી બે મહિનામાં અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેની માહિતી આપી હતી.

વધુમાં કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી લંપી વાયરસના કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અનેક ગાયોના મોત નીપજ્‍યા છે તેમ છતાં પણ સરકારી ચોપડે નજીવા આંકડા બતાવવામાં આવી રહ્યા છે જે રીતે કોરોના સમયે લોકોના મળત્‍યુ નીપજતા હતા તેના કરતાં સરકારી ચોપડે ઓછા આંકડા બતાવવામાં આવતા હતા અને ખોટા આંકડા આવતા હતા આવી જ કંઈક કામગીરી હાલમાં સરકાર દ્વારા લંપી વાયરસના કારણે ગાયનોના મોત થાય છે તેમાં કરવામાં આવી રહી છે તેવો તેમણે આક્ષેપ કરેલ છે.

(1:40 pm IST)