Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલ લોકોનાં પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી રાહતરાશિ અર્પિત કરતા મોરારિબાપુ

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: થોડા દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે 57 જેટલા લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તે ઉપરાંત અનેક લોકોને અન્ય ઈજા ઓ પણ થઈ હતી આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકો ના પરિવારજનો માટે બેવડા આઘાતને સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું.  
 વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે પરંતુ પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ?  આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટનામાં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે અને  પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 5000 ની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે.  બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રુબરુ જઈ પહોચતી કરવામાં આવશે. પુજ્ય મોરારિબાપુ એ પુન: એક વખત ફરી આ કરુણ ઘટનાને કારણે જે પરિવારો નિ: સહાય બન્યા છે તેમનાં પરત્વે વિશેષ સંવેદના વ્યક્ત કરી છે.

(6:43 pm IST)