Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મહિલા સુરક્ષા માટે મહિલાઓનું સારથી બની રહ્યું છે સુરેન્દ્રનગરનું સખી વન સ્ટોપ સેન્ટર પીડિતાઓ માટે મંદિર સમાન સુરેન્દ્રનગરનું સખી વન સ્ટોપ સેન્ટર: 600થી વધુ પીડિતાઓએ સેન્ટરની મુલાકાત લીધી

સુરેન્‍દ્રનગર :મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા સંચાલિત સુરેન્દ્રનગરનું સખી વન સ્ટોપ સેન્ટર પીડિત મહિલાઓ માટે મંદિર સમાન બન્યુ છે. ખાનગી કે કામકાજના સ્થળ પર, પરિવારમાં શારીરિક કે માનસિક હિંસાની પીડિતાઓ સુરેન્દ્રનગર  જિલ્લાની 600થી વધુ પીડિત મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાહતનો શ્વાસ લીધો છે.

રામભોજનાલય, બીજા માળે, એસ. ટી બસ સ્ટેન્ડ રોડ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય રાજયની મહિલાઓને પણ આશ્રય અને જરૂરી માર્ગદર્શન અપાયુ છે. વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધી 600થી વધુ પીડિત મહિલાઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે તથા જરૂરિયાતમંદ 300થી વધુ મહિલાઓને આશ્રય અપાયો છે.

આ સંદર્ભે સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલિકા પાયલબેને કહ્યું કે, "શારીરિક કે માનસિક હિંસાનો ભોગ બનેલી પીડિતાઓનું સખી વનસ્ટોપ સેન્ટરમાં કાઉન્સેલીંગ કરવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાયે તબીબી, પોલીસ કે કાયદાકીય માર્ગદર્શન આપવાની સાથે પીડિતાને આશ્રય આપવામાં આવે છે. પીડિત મહિલાઓ માટે સરકારની આ ખુબ જ સારી યોજના છે. આ સેન્ટરમાં તમામ સ્ટાફ મહિલાઓ હોય છે. સેન્ટરમાં હાલ 10થી વધુનો સ્ટાફ છે. અહીં પીડિતાની ઇચ્છા મુજબ પરિવારને બોલાવવામાં આવે અથવા કાયદાકીય માટે સલાહ આપવામાં આવે છે. આ સેન્ટરમાં પીડિતાઓ માટે લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, આશ્રય રૂમ, બાળકો માટે ઘોડીયા, રમતના સાધનો સહિત જમવાની તથા દૈનિક જીવન જરૂરિયાતની કીટ સરકાર દ્રારા વિનામૂલ્યે આપવામાં આવે છે".

જિલ્લામાં 2019થી સખી વન સ્ટોપ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ખરેખર સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટર પીડિત મહિલાઓ માટે તથા મહિલાઓની સુરક્ષા માટે ખરા અર્થમાં મદદરૂપ બન્યું છે.

(8:39 pm IST)