Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી જીલ્લામાં ૪૮ લાખના ખર્ચે ૬ ટ્રેક્ટર ટ્રોલી અને ૧ જેટીંગ મશીન ગ્રામ પંચાયતોને અર્પણ.

મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે મોરબી જિલ્લા પંચાયત ખાતે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬ ટ્રેક્ટર તેમજ ટ્રોલી, ૧ જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીમાં દરેક ક્ષેત્રમાં નવા પ્રકલ્પો થકી વિકાસના માર્ગે મોરબી ગુજરાત સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધી રહ્યું છે. વધુમાં મંત્રીએ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવેલા આ ટ્રેક્ટરનો સદુપયોગ થાય,  ગામની સ્વચ્છતામાં આ ટ્રેક્ટરનો સારો એવો ઉપયોગ કરીને ગામની સુખાકારીમાં વધારો કરવામાં આવે તેવી સરપંચઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, મોરબી વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતે વિકાસના માર્ગે ભરેલી હરણફાળ સાથે મોરબી જિલ્લાની વિકાસયાત્રામાં પણ સૌને સહભાગી બનવા તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતોને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી  ૩૬ લાખથી વધુના ખર્ચે ૬ ટ્રેકટર તેમજ ટ્રોલી, ૧૧.૫ લાખની કિંમતના એક જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

(11:25 pm IST)