Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ખારચીયા, ચરેલીયા, ઝાર, હરિયાસણ, સાતવડી, ઢાંકમાં ૭૭ ઇંચથી અતિવૃષ્ટિ

મોટી પાનેલી વિસ્તારને લીલો દુકાળ જાહેર કરવા ખેડૂતોની માંગ : નદી કાંઠાના ખેતરો અને કોઝવે તણાઇ ગયા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ વિસ્તારના ખારચીયા ચરેલીયા ઝાર સાતવડી હરિયાસણ ગામોમાં મોસમનો સીતોતેર ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને હજુ પણ અવિરત વરસી રહ્યો છે જરૂર કરતા ત્રણ ગણો વરસાદ પડતા પરિસ્થિતિ શું થાય તે સમજી શકાય છે વિસ્તારના તમામ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે છેલ્લા અઢી માસમાં માંડ દસ દિવસ વરસાદે વિરામ લીધો છે બાકીના દિવસોમાં અવિરત થોડા વતા અંશે વરસાદ પડ્યો છે ત્યારે ચોમાસાની શરૂઆત પહેલાજ આ વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોએ વાવણી કરી દીધી હતી બાદમાં પહેલાજ વરસાદમાં બે દિવસમાજ બત્રીસ ઇંચ જેવો વરસાદ પડતા ભારે ખાનાખરાબી જોવા મળી હતી જમીનો ધોવાઈ હતી ખેતરોના પારા સાવ ધોવાઈ ગયા હતા જેનું સર્વે પણ થયેલ પણ આજ સુધી હજુ ખેડૂતના હાથમા કઈ આવેલ નથી જમીન ધોવાયાની મુસીબતમાંથી ખેડૂત માંડ ઊગર્યા ત્યાં ચાર દિવસ પછી ફરી મેઘો મંડાયો જે આજદિન સુધી અવિરત વરસી રહ્યો છે ખેતરોમાં પાણી સતત ભરાયેલા રહે છે ખેતરે જવાનાં રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી વહેતા હોય મહા મુસીબતે ખેડૂત ખેતર જય શકે છે બોર અને કુવામાંથી પાણી છલકાય રહ્યું છે.

જમીન વિસ્તાર માં મગફળી કપાસનું વાવેતર વિપુલ માત્રામાં થયું છે સાથે એરંડા અને કઠોળનું પણ વાવેતર હતું પરંતુ અવિરત વરસાદને લીધે તમામ પાક નિષ્ફ્ળ નીવડ્યા છે ખેતરોમાં ઉભા મોલને જોતા જોનારાની આંખો ઠરે એવી મોસમ ખીલી હતી પરંતુ હકીકતમાં પુષ્કળ પાણી લાગી જતા કપાસના ડીંડવા ખરી પડ્યા છે અથવા તો મૂળમાંથી છોડવા બળી ગયા છે એવુજ મગફળી માં પણ બિબડા ફુટ્યાં જ હતા ત્યાં અવિરત વરસાદને લીધે પાણી લાગી જતા બિબડામાં જ ફૂગ લાગી ગયેલ છે એરંડાની વાવણી તો ખેડૂતોએ બબ્બે ત્રણ ત્રણ વાર કરી પણ પરિસ્થિતિ જેસે થે જ છે.

તાલુકા વિસ્તરણ અધિકારીના અહેવાલ મુજબ વિસ્તારમાં મગફળીનું કુલ વાવેતર બેહજાર ચારસો ત્રણ હેકટર(પંદર હજાર વીઘા)અને કપાસનું બેહજાર એકસો છાસઠ હેકટરમાં(તેરહજાર પાંચસો વીઘા) વાવેતર છે બાકી એરંડા અને કપાસ નું વાવેતર પણ છે જે તમામ પાક નિષ્ફ્ળ ગયેલ છે જેને લઈને વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે અને પાનેલી સહીત વિસ્તારના ગામોમાં લીલો દુકાળ જાહેર કરવાની સરકાર પાસે પ્રચંડ માંગ કરી રહ્યા છે પાનેલીનો ફુલઝર ડેમ ત્રણ વખત ઓવરફ્લો થયેલ છે ડેમના કાઢીયે થી વિપુલ માત્રામાં પાણી વહી રહ્યું છે જેને લીધે માંડાસણ તરફના રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો પણ બંધ થઇ જાય છે માટે વિસ્તારના ખેડૂતો સાથેની પરામર્સમાં ખેડૂતોની માંગણી છે કે વિસ્તારમાં જરૂર કરતા ત્રણ ગણો વરસાદ પડ્યો હોય તમામ પાક નિષ્ફ્ળ ગયા હોય, કઠિન સમસ્યા સરકાર ધ્યાનમાં લેશે એ અમને વિશ્વાસ છે સરકાર વહેલી તકે વિસ્તાર ને લીલો દુકાળ ઘોસિત કરી ખેડૂતોની વહારે આવે નહીતો ખેડૂત પાયમાલ બની જશે.

ત્રણગણો વરસાદ પડે ત્યાં શું બાકી રહે

પાનેલી તેમજ આજુબાજુના ગામોમાં પચીસ ઇંચ વરસાદ પડે એટલે બવ થઇ જાય પણ આ વખતે પિચોતેરથી એંશી ઇંચ વરસાદ પડી ગયો છે ને હજુ કેટલો પડશે કેમ ખબર. આટલા વરસાદમાં એકેય મોલ જમીનમાં બચે જ નહીં આ લીલો દુકાળ છે હવે જો સરકાર કઈ ખેડૂતોનું હિત જોવે તો સારુ તેમ માધવજીભાઈ કાલાવાડિયા (ગૌશાળા પ્રમુખ, પાનેલી)એ જણાવ્યું છે.

ખેડૂતની હાલત કફોડી થઇ છે ના ઘરના ના ઘાટના

ચોમાસાની શરૂઆત પહેલા જ જે વાવણી લાયક વરસાદ પડ્યો ત્યારેજ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી અને પછી જે વરસાદ પડ્યો એમાં જમીનો ભલે ધોવાણીતી કપાસના પાકનેય થોડી નુકશાની હતી પણ સરેરાશ મોલ બહુ સારો હતો ખેડૂતને સારો એવો ફાયદો દેખાતો હતો પણ સતત વરસાદ વરસતા જે ઉભા મોલ હતા મગફળી કપાસ એરંડા કઠોળ એમાં પાણી લાગી ગ્યા જેનાથી મગફળીમાં ફૂગ આવી ગઈ એટલે હવે એમાં કઈ થાય નહીં અને કપાસના ડીંડવા ખરી ગ્યા એટલે એય દેખાય રૂપાળા પણ ખેડુનાં હાથમાં કઈ ના આવે.તેમ ઇશાકભાઈ શોરા ખેડૂત અને મુસ્લિમ સમાજ પ્રમુખ,પાનેલીએ કહ્યું હતું.

પાક તો નિષ્ફ્ળ ગ્યા જ છે

આટલો વરસાદ લગભગ હજી સુધી બે વાર પડ્યો છે ત્રીસ બત્રીસ વર્ષ પહેલા શો ઇંચ જેટલો વરસાદ પડ્યો તો અને આ વર્ષે પડ્યો આટલો વરસાદ આપણી જમીનો સહન જ ના કરી શકે તો લીલો દુકાળ નહીં તો બીજું શું!!મોલ તો બધા બળી જ જાય પણ સાથે આ નદીઓમાં જે ઘોડાપુર આવે છે એનાથી નદીકાંઠાના ખેતરોની માટી તણાઈ ગઈ જેને લીધે કેટલાય ખેડૂત બિચારા બરબાદ થઇ જશે આવળી માટીની ભરતી કરવાનોઙ્ગ ખર્ચો કાઢવો કયાંથી વાળી એ જવાનાં ક્રોઝ વે તૂટીને તણાઈ ગયો એમાંય ખેતરે જવામાં પરેશાની છે.તેવું બાબુભાઇ હુંબલ, (સરપંચ) ઝાર કહે છે.

ખેડૂત રાહ બેઠો છે

તમેજ આની પહેલા છાપામાં આપ્યું તું ત્યારે સરકારે તાત્કાલિક સર્વે કરાવ્યો પણ હજી સુધી ખેડુનાં હાથમાં કઈ આવ્યું નથી ત્યારે જે વરસાદ થી નુકશાન થયુ તું,ઙ્ગ એતો માત્ર અમુક ગામો અને કલ્યાણપુર તાલુકામાં જ હતું તોય સરકારે ખેડૂતોને કઈ રાહત નથી આપી હવે તો આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે પણ આખા ગુજરાત કરતા આ વિસ્તારમાં અને કલ્યાણપુર વિસ્તારમાં જ વધુ નુકશાની થઇ છે અને પાક નિષ્ફ્ળ ગયા છે તો સરકારે તાત્કાલિક આ વિસ્તારને લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોની વ્હારે આવવું જોઈએ તેમ નિલેશભાઈઘાડીયા (ખેડૂત અગ્રણી પાનેલી) એ ઉમેર્યું હતું.

તાલુકા વિસ્તરણ અધિકારીના વિસ્તારના વાવણીના આંકડા હેકટરમાં

ગામનું નામ

કપાસ

મગફળી

પાનેલી

૧૩૩૦ હેકટર

૧૫૨૦ હેકટર

ખારચીયા

૧૦૩ હેકટર

૧૧૩ હેકટર

ઝાર

૧૫૫ હેકટર

૧૭૦ હેકટર

ચરેલીયા

૧૭૮ હેકટર

૧૯૦ હેકટર

હરિયાસણ

૪૦૦ હેકટર

૪૧૦ હેકટર

(11:25 am IST)