Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ઉઘરાણીના પૈસા બાબતે ઓડદરના વેજાભાઇ ઓડેદરાને છાયા પ્લોટમાં મેરામણ ઓડેદરાએ છરીના ઘા ઝીંકયા

મેર યુવાનને પેટ, કમર, ગળા, વાંસામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: પોરબંદરના ઓડદર ગામે રહેતાં વેજાભાઇ વિરમભાઇ ઓડેદરા (ઉ.વ.૩૮) નામના મેર યુવાનને સાંજે સાતેક વાગ્યે છાયા વિસ્તારમાં હતાં ત્યારે મેરામણ લક્ષમણભાઇ ઓડેદરાએ વાંસા, પેટ, કમર અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દેતાં   ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વેજાભાઇ એક ભાઇ અને બહેનમાં નાના છે અને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેના સગાના કહેવા મુજબ વેજાભાઇના ખેતરમાં મેરામણ મજૂરી કામ કરે છે. વેજાભાઇને એક વ્યકિત પાસેથી રૂ. પચાસ હજારની ઉઘરાણી કરવાની હોઇ તેણે મેરામણને પૈસા લઇ આવવા કહ્યું હતું. તે ઉઘરાણી કરી આવ્યો હતો છતાં પૈસા આવ્યા નથી તેવું વેજાભાઇને કહી દીધું હતું.

એ પછી વેજાભાઇએ જેની પાસેથી પૈસા લેવાના હતાં તેની પાસે ઉઘરાણી કરતાં તેણે મેરામણને આપી દીધાનું કહેતાં વેજાભાઇ ગત સાંજે છાંયા પ્લોટમાં મેરામણના ઘરે ગયા હતાં અને પૈસા ઉઘરાવી લાવ્યો છતાં કેમ ખોટુ બોલ્યું? તેમ કહી પોતાના પૈસા માંગતાં મેરામણે અચાનક ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરી દીધો હતો. પોરબંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)