Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પ્રભાસપાટણની અનેક સોસાયટીમાં બે-બે દિવસથી ભરેલા પાણી : લોકોની અવર-જવર બંધ

પ્રભાસપાટણ, તા. ૧ : પ્રભાસપાટણ વિસ્તારની સોમનાથ બાયપાસની આજુબાજુમાં આવેલ સોસાયટીઓ અને હોટલોમાં પાણી ભરાવાને કારણે લોકો બે દિવસથી અવર-જવર કરી શકતા નથી.

બે દિવસથી અતિ ભારે વરસાદને કારણે પ્રભાસપાટણની સોમનાથ બાયપાસ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં દ્વાકેશ, સીંધી સોસાયટી, ક્રિષ્નાનગર સોસાયટી, શાઇન કોલોની, શાંતિનગર, અને હિરણ વિસ્તાર અને ૩૦થી ૩પ હોટલ વિસ્તારોમાં ગોઢણ ડુબ પાણી ભરાવાને કારણે બે દિવસથી આ વિસ્તારના લોકોની અવર-જવર સંપૂર્ણ બંધ થયેલ છે.

આ વિસ્તારમાંથી નગરપાલિકાને લાખો રૂપિયાનો હાઉસ ટેક્ષ ભરવામા આવે છે, પરંતુ કોઇ જાતની સુવિધા આપવામાં આવતી નથી. આ સોસાયટી વિસ્તારમાં ભરતા ભાણીનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી. માત્ર થોડા ખર્ચામાં કેનાલ બનાવી અને ગટર બનાવવામાં આવે તો આ તમામ પાણી સોમનાથ તળાવમાં નિકળી જાય અને આ લોકોને રાહત મળે, પૂરતું લોકહિતના પ્રશ્નોના નિકાલમાં કોઇ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી.

આ બાબતે જીલ્લા કલેકટર ઓફીસે ૮થી ૧૦ વખત લેખિત રજુઆતો કરેલ છે, પરંતુ ત્યાં લોકો હિતના કામોને મહત્વ આપવામાં આવતું નથી, પરંતુ વગ ધરાવનાર મોટા લોકોના કામો તાત્કાલીક થાય છે.

આમ દર વર્ષે ચોમાસાની સીઝનમાં સોમનાથ બાયપાસ વિસ્તારમાં આવેલ સોસાયટીઓના લોકો પરેશાન થાય છે અને આ પ્રશ્નના નિરાકરણ માટે નગરપાલિકાના ચીફ ઓફીસર, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજુઆતો થાય છે, પરંતુ પરિણામ આવતું નથી. જેથી આ વિસ્તારના લોકોનો પ્રશ્ન હલ થાય તે માટે આ વિસ્તારના લોકોની માંગણી છે.

(11:32 am IST)