Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

હાપા વિસ્તારની વેલનાથ સોસાયટીમાં રાજકારણીઓને પ્રવેશવા પર પ્રતિબંધના બેનર લગાવાતા આશ્ચર્ય !

વોર્ડ નં. ૧૧ના લોકોના કોઇ પ્રશ્નો નહીં ઉકેલાતા રોષ : હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે : જામનગર શહેરી વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા

તસ્વીરમાં વેલનાથ સોસાયટીમાં હજુ પાણી ભરાયેલ છે તે નજરે પડે છે અને અહીંના રહીશો બેનર સાથે દર્શાય છે. (તસ્વીરઃ કિંજલ કારસારીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૧: હાલ નથી ચૂંટણી કે રાજકીય કાર્યક્રમો... છતાં પણ જામનગરના પ્રર્વેશદ્વારસમાં હાપા વિસ્તારમાં આવેલા વેલનાથ સોસાયટીમાં રાજકીય પક્ષો અને રાજકરણીઓ સામે સ્થાનિકોએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવતા બેનર લગાવતા આશ્ચર્ય ફેલાયું છે.

હાપા વિસ્તારમાં આવેલા વેલનાથ સોસાયટીમાં સ્થાનિકોએ કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર લગાવતા આશ્યર્ય ફેલાયું છે. વેલનાથ સોસાયટીના રહીશોએ સોસાયટીના નાકે જ બેનર લગાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વોર્ડ નંબર ૧૧માં આવેલ હાપાની વેલનાથ સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી રોડ, ગટર,સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલ, સફાઈ, પીવાના પાણી, આરોગ્ય સહિતના પ્રાથમિક પ્રશ્ન ઉકેલાતા નથી. આ બાબતે સોસાયટીના રહેવાસીઓએ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા અંતે બેનર યુદ્ઘના મંડાણ કર્યા છે. કોઈપણ ચુંટાયેલા નગરસેવક કે પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી કંટાળેલા લોકોએ અંતે બેનર લગાવી રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં ચૂંટણી પૂર્વે જ રાજકારણ ગરમાયુ છે.

જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે સાંઢિયા પુલ પાસે એક ઝાડ તૂટીે વીજ થાંભલા પર પડ્યું હતું. તે જ રીતે સાધના કોલોની વિસ્તારમાં પણ એક ઝાડ તૂટીને વીજવાયરો પર પડ્યું હતું.

આ ઉપરાંત જામનગરના સરૂ સેકશન રોડ, પાર્થ સોસાયટી, ગોકુલ નગર, શાકમાર્કેટ, અને ભોઇ વાડા સહિત વધુ ૬ સ્થળે ઝાડ પડી ગયા હતા. ગ્રીન સીટી વિસ્તારમાં શેરી નંબર ૨માં માધવ રેસીડેન્સી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા પટેલ પાર્ક શેરી નંબર પાંચ માં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાવાના કારણે ઘરમાં પાણી ઘુસવા લાગ્યા . અંધાશ્રમ નજીક શિવમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા, કોમલ નગર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે કેનાલ બંધ થઇ, ગોકુલ નગર રડાર રોડ પર સોમનાથ સોસાયટી વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા  હર્ષદમીલની ચાલી વિસ્તારમાં સંસ્કારધામ સોસાયટીમાં પણ પાણી ભરાયા  ઉપરાંત ગુલાબનગર નજીક સ્વામીનારાયણ નગર શેરી નંબર ૪માં પાણી ભરાઇ જવાના કારણે લોકોના ઘરમાં પાણી પહોંચ્યા ગ્રીન સીટી નંબર ૧ વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાની ફરિયાદ મહાનગરપાલીના તંત્રને મળી હતી. અને પાણીના નિકાલ કરવા માટેની ટીમોને દોડતી કરવામાં આવી હતી.

ઉપરાંત લીમડાલેન વિસ્તાર, ખોડમિલનો ઢાળિયો વિસ્તાર, રાજમતી ટાઉનશીપ-૧ મોહન નગરનો વિસ્તાર,સત્યમ કોલોની સહીતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની ફરીયાદો મળી હતી. જો કે બાદમાં તમામ સ્થળે પાણી ઉતરી જતા લોકોએ તેમજ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલોમાં પાણી ઘુસ્યા હતાંે. જામનગર જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની ગયું હતું. અને વધુ પાણી જુદી જુદી કચેરીઓમાં ઘુસી ગયા હતાં.

પત્રકાર સોસાયટી નજીક આવેલી તાલુકા પંચાયતની કચેરીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. અને સરકારી સંકુલમાં  નુકસાન પણ થયું છે. કેટલુંક સાહિત્ય પલળી ગયું હતું. લાલ બંગલા સ્થિત સરકીટ હાઉસમાં પાણી ઘુસ્યા હતા જયારે સીટી ડીવાયએસપીની કચેરી, જામનગર ગ્રામ્ય સીપીઆઇની કચેરી, વાયરલેસની કચેરી સહિત સરકારી સંકુલોમાં વરસાદી પાણીની અસર જોવા મળી હતી. જામનગરના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમની બહાર પણ દોઢથી બે ફૂટ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. જે તમામ પાણી આજે ઉતરી ગયા છે.

(12:56 pm IST)