Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

વંથલીનાં આખા ગામની સીમમાં ફસાયેલા ૧ર લોકોનું ત્રણ દિવસે રેસ્કયુઃ મોડી રાત્રે બચાવાયા

જુનાગઢ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘાનો વિરામ રહયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : વંથલીનાં આખા ગામની સીમમાં ફસાયેલા ૧ર લોકોનું સ્થળાંતર ત્રણ દિવસે રેસ્કયુ સફળ રહેતા મોડી રાતે તમામને બચાવી લેવામાં આવતા લોકોએ તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.

જુનાગઢ સહિત સોરઠમાં શનિવારથી રવિવાર સુધી ભારે થી અતિ ભારે વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ. ઠેક ઠેકાણે પાણી ભરાય ગયા હતા. માર્ગો પર પાણી ભરાતા પરિવહનને અસર થઇ હતી.

ખાસ કરીને સીમ વિસ્તારમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામની સીમનાં વાડી વિસ્તારમાં શનિવારે ભારે વરસાદને લઇને આવેલા પાણીના ૧ર લોકો ફસાય ગયા હતા. આ અંગેની જાણ થતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા સ્થાનિક મામલતદાર તંત્ર કામે લાગ્યું હતુ.

પરંતુ ચોતરફ પાણી ભરાયેલા હોવાથી એસડીઆરએફની ટીમ આ લોકો સુધી પહોંચી શકી નથી. જો કે આ તમામ લોકો એક બે માળના મકાનમાં સલામત હતા.

દરમિયાન ગત રાત્રે ઇન્ચાર્જ મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફના જવાનો મહા મહેનતે આખાની સીમમાં ફસાયેલા લોકો સુધી પહોંચી શકયા હતા અને રાત્રીના દોઢ વાગ્યે તમામનું સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતુ.

દરમિયાનમાં જુનાગઢ જિલ્લામાં આજે પણ મધરાત્રે વિરામ રાખતાં ઉઘાડ નીકળ્યો છે.

(12:59 pm IST)