Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અમરેલી જિ.જેલમાં ચાલતા PCO રેકેટના ગુન્હામાં બે જેલ કર્મચારી સહીત ૬ શખ્સોને પકડતી SIT

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧: અધિક પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદના ઝડતી સ્કોડના જેલર ગૃપ-ર આર.ડી.કરંગીયા દ્વારા અમરેલી જિલ્લા જેલની ઝડતી કરતાં જેલના યાર્ડ નં.પના બહારના ભાગેથી એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવતાં, તેઓની ફરિયાદ પરથી અજાણ્યા આરોપી વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૧૮૮ તથા પ્રિઝન એકટ કલમ ૪૨, ૪૩ તથા ૪૫ની પેટા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી. થયેલ.

અમરેલી જિલ્લા જેલમાંથી ઝડતી તપાસ દરમ્યાન મોબાઇલ ફોન મળી આવતાં અમરેલી જિલ્લા જેલમાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની શંકા જતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ તપાસ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટાને સોંપવામાં આવેલ. ગુન્હાની તપાસ દરમ્યાન જણાઇ આવેલ હકીકત અને સંજોગો આધારે આઇ.પી.સી. ની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૮૪, ૧૯૩, ૫૧૧, ૧૨૦(બી), ૧૧૪, ૩૪ મુજબ ઉમેરો કરવામાં આવેલ.

બેરેક નં. ૯ તથા ૧૦ ના કેદીઓ, જેલમાં અન્ય કેદીઓ પાસેથી જેલની બહારની વ્યકિત સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવા માટે ઉંચા દરે પૈસા મેળવી, ન આપે તો બળજબરીથી પણ કોલ કરવા માટેના પૈસા ઉઘરાવી, પીસીઓ ચલાવતા હતાં. જિલ્લા જેલમાંથી ફકત જેલની બહારની વ્યકિતઓ સાથે જ નહીં પરંતુ સુરત જિલ્લા જેલના કેદીઓ સાથે પણ મોબાઇલ ફોન ઉપર વાત-ચીત થતી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે.

આ ગુન્હાની તપાસ દરમ્યાન જેલમાંથી ચાલતા પીસીઓની હકીકત બહાર આવતાં આ ગુન્હામાં સંડોવાયેલ તમામ ઇસમો સામે કડક કાર્યવાહી થાય તે માટે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરવામાં આવેલ. જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારી તરીકે એમ.એસ.રાણા, ના.પો.અધિ. અમરેલી વિભાગ તથા મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે આર.કે.કરમટા અને સહાયક તપાસનીશ અધિકારી તરીકે (૧) શ્રી.એમ.એ.મોરી, પો.સ.ઇ. એસ.ઓ.જી.

અમરેલી. (ર) શ્રી.એન.એ.વાદ્યેલા, પો.સ.ઇ. ધારી પો.સ્ટે. (૩) શ્રી.વાય.પી.ગોહિલ, પો.સ.ઇ. લાઠી પો.સ્ટે.તથા (૪) શ્રી.જે.એમ.કડછા, પો.સ.ઇ. કોમ્પ્યુટર સેલ, અમરેલીની નિમણુંક કરેલ.

આ ગુન્હાની તપાસ દરમ્યાન અગાઉ કુલ ૬ આરોપીઓ અટક કરવામાં આવેલ હતાં. અને વધુ તપાસ દરમ્યાન અમરેલી જિલ્લા જેલના કર્મચારીઓએ જ જેલની અંદર કેદીઓને મોબાઇલ ફોન તથા મોબાઇલ સીમકાર્ડ પહોંચાડેલ હોવાનું ખુલવા પામેલ છે. જેલમાં કેદીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા દેવા બદલ આ કેદીઓના સગા-સબંધીઓ પાસેથી અગાઉ અટક કરેલ આરોપી નરેશ ઉર્ફે નરશી ભીખાભાઇ વાઘેલા રૂપીયા ઉઘરાવી, જેલના બે કર્મચારીઓને પહોંચાડતો હતો. આ બંને કર્મચારીઓ અમરેલી જિલ્લા જેલના સ્થાનિક ઝડતી સ્કોડમાં હતાં, પરંતુ તેઓ બેરેકની ઝડતી ફકત ઔપચારિક રીતે કરતાં હતાં, અને ઝડતી દરમ્યાન વહીવટ વાળા કેદીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવે, તો પણ આંખ આડા કાન કરી, કોઇ કાયદેસર કાર્યવાહી કરતા નહતાં. આ અંગે વધુ પુરાવાઓ મેળવી, નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપીઓમાં (૧) કાંતિ મુળજીભાઇ વાળા, ઉ.વ.૩૭, રહે.સાવરકુડલા, (ર) સુરેશ ઉર્ફે સુરા સાર્ટુળભાઇ હાડગરડા, રહે.નાગધ્રા, તા.ધારી (૩) શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુંડલા તથા  (૪) ઇરફાન ઉર્ફે ટાલકી મહંમદભાઇ ખીમાણી, રહે.અમરેલી તથા અમરેલી જિલ્લા જેલના કર્મચારીઓમાં

(૧) જયરાજભાઇ દ્યોહાભાઇ માંજરીયા, ઉં.વ.૩૦, ધંધો.નોકરી (જેલ સહાયક), રહે.અમરેલી તથા (ર) સુરેન્દ્રભાઇ ધીરૂભાઇ વરૂ. ઉં.વ.૩૦, ધંધો.નોકરી (જેલ સહાયક), રહે.અમરેલીનો સમાવેશ થાય.

અટક કરવાના બાકી આરોપીઓમાં (૧) દાદુ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી, તા.સાવરકુંડલા, (૨) નાનજી કાળાભાઇ વાદ્યેલા, રહે.હાલ ટીંબી, (૩) ભુપત હિરાભાઇ વાઘેલા, ઉં.વ.૩૬, રહે.લીખાળા, તા.સાવરકુંડલા, (૪) તથા રણજીત ધીરૂભાઇ વાળા, રહે.નાની ધારી, તા.ખાંભાનો સમાવેશ થાય છે.  આ ગુન્હાની તપાસ હાલ પણ ચાલુ છે.

આ કામગીરી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના શ્રી.એમ.એસ.રાણા, ના.પો.અધિ. અમરેલી વિભાગ તથા શ્રી.આર.કે.કરમટા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. અમરેલી, એમ.એ.મોરી, પો.સ.ઇ. એસ.ઓ.જી. અમરેલી, શ્રી.એન.એ. વાદ્યેલા, પો.સ.ઇ. ધારી પો.સ્ટે, શ્રી. વાય.પી. ગોહિલ, પો.સ.ઇ. લાઠી પો.સ્ટે, શ્રી.જે.એમ.કડછા, પો.સ.ઇ. કોમ્પ્યુટર સેલ, અમરેલી તથા એલ.સી.બી. ટીમે કરી હતી.

(1:00 pm IST)