Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા : 15 દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા

દર્દીઓને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું

ભાવનગરમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. તેની હાલાકી હોસ્પિટલના દરવાજા સુધી પહોંચી હતી . તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. સરકારી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતા દર્દીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 દર્દીઓને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટરમાં બેસાડીને દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. એક બાદ એક દરેક દર્દીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ યથાવત છે. અને એમાં પણ ગઈ કાલના ભારે પવન સાથેના ધોધમાર વરસાદથી અનેક તાલુકાના ગામોમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ભાવનગર જીલ્લાના ભંડારીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક જ પરીવારના પાંચ સભ્યો ફસાયા હતા. જેઓનું મહામહેનતે ગારીયાધાર પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ રેસ્ક્યુ કર્યુ હતું.

(9:08 pm IST)