Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સૈનિક સ્કૂલ જામનગરમાં પ્રવેશ માટે ઑનલાઇન અરજીઓ મંગાવાઈ

પ્રવેશની પ્રક્રિયા 27 સપ્ટેમ્બર 2021થી 26 ઓક્ટોબર 2021 દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન ચાલુ

જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ પણ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે.અગાઉના વર્ષની જેમ, આ વર્ષે પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. બાલાચડી સૈનિક સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પ્રવેશની પ્રક્રિયા 27 સપ્ટેમ્બર 2021થી 26 ઓક્ટોબર 2021 દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન ચાલી રહી છે.

 09 જાન્યુઆરી 2022 (રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. જો અરજી કરવા માંગતા હોવ તો ઑનલાઇન અરજી કરી શકો છો. ઑનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી માટે રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.in અને સ્કૂલની વેબાસાઇટ https://www.ssbalachadi.org/ ની મુલાકાત લઇ શકે છે.

 ધોરણ 6 (છોકરાઓ અને છોકરીઓ) અને ધોરણ 9 (ફક્ત છોકરાઓ) માટે પ્રવેશ ચાલુ છે. ધોરણ 6 માટે, લેખિત પરીક્ષાનો સમયગાળો 150 મિનિટ રહેશે અને ધોરણ 9 માટે આ સમયગાળો 180 મિનિટનો છે. ગુજરાતમાં ત્રણ અલગ અલગ કેન્દ્રો એટલે કે, અમદાવાદ, બાલાચડી અને સુરતમાં આ પરીક્ષા લેવાશે.

ધોરણ 6 માં પ્રવેશ માટે, લેખિત પરીક્ષામાં ગણિત, બૌદ્ધિકતા, ભાષા અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો શામેલ રહેશે અને ધોરણે 9 ની પરીક્ષામાં ગણિત, બૌદ્ધિકતા, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનના વિષયો આધારિત પ્રશ્નો શામેલ રહેશે.

(11:34 pm IST)