Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ગારીયાધારમાં ચિફ ઓફિસર અને એન્જીનિયર ૧૬ હજારની લાંચ લેતા ઝડપાયા

કોન્ટ્રાકટર પાસેથી બિલ પાસ કરાવવા રકમ માંગતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા

(ચિરાગ ચાવડા - મેઘના વિપુલ હિરાણી દ્વારા) ગારીયાધાર - ભાવનગર તા. ૧ : ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જીનિયર રૂ. ૧૬ હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાતા ચકચાર જાગી છે.  મળતી વિગતો મુજબ ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં સ્મશાનની દિવાલ બનાવવાનું કામ રામગર કોન્ટ્રાકટર પાસે બીલની રકમનો ચેક પાસ કરાવવા ગારીયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર વી.ડી.પુજારાએ રૂ. ૧૮ હજારની લાંચની માંગણી કરતા અંતે રૂ. ૧૬ હજારમાં નક્કી કરાયું હતું અને આ રકમ ગારીયાધાર નગરપાલિકાના એન્જીનિયર પ્રતિક બકુલભાઇ દેસાઇને આપવાનું નક્કી કરાયેલ. આ અંગેની ફરીયાદ કોન્ટ્રાકટરે ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં કરતા ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના પી.આઇ. ડી.કે.વાઘેલા, એ.એસ.આઇ. બી.કે.બારૈયા, માલાભાઇ ભરવાડ, અરવિંદભાઇ વંકાણી વિગેરેએ છટકુ ગોઠવી ચીફ ઓફિસર વતી રૂ. ૧૬ હજારની લાંચ લેતા એન્જીનિયર પ્રતિક દેસાઇને રંગેહાથ ઝડપી લીધા હતા અને બંને વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  લાંચમાં ઝડપાયેલ ચીફ ઓફિસર અને એન્જીનિયર બંને ૧૧ માસના કરાર આધારીત નોકરીમાં હોવાનું જાણવા મળેલ છે.

(11:07 am IST)