Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં છઠ્ઠે દિવસે વરાપ નીકળતા રાહત

રવિવારથી શરૂ થયેલ મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણીઃ પાકને ભારે નુકશાનઃ સૂર્યનારાયણે દર્શન દીધા

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી શરૂ થયેલ મેઘમહેર બાદ આજે છઠ્ઠા દિવસે વરાપ નીકળતા લોકોને રાહત મળી છે.

સર્વત્ર મેઘ મહેરથી પાણી-પાણી સાથે જળ બંબાકારની સ્થિીતી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે પાકને ભારે નુકશાન થયું છે.

આજે સૂર્યનારાયણે દર્શન દેતા લોકોના હૈયે ખુશાલી છવાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર અને જોડિયામાં એક ઇંચ તથા જામજોધપુર અને ધ્રોલમાં અડધો ઇંચ તથા લાલપુર-કાલાવડમાં ઝાપટા વરસ્યા છે.

પ્રભાસપાટણ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)

પ્રભાસપાટણ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવની નગરી ભરચોમાસાના મહિનાઓમાં અષાઢ-શ્રાવણમાં વરસાદ ન થવાથી ચિંતાતુર હતી અને જે થયો તે પણ બે ડીઝીટના આંકડા માંડ-માંડ વટાવ્યા પરંતુ ઓણ સાલ ભાદરવાએ તો રંગ રાખ્યો અને સપ્ટેમ્બરમાં જીલ્લાના અડધો-અડધ તાલુકાઓ ચાર ડીઝીટના આંકડા વરસાદે દે ધનાધન વરસતા જળસંકટ ટાળી દીધું છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચોટીલા પથંકમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોટીલામાં ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસી પડ્યો હતો. આ વર્ષે સિઝનનો કુલ ૫૫૬ મિ.મી. જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે. ત્યારે આજે ગુરૂવારે પણ બારે મેઘ ખાંગા થયા હોય તેમ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચોટીલા શહેરમાં મેઘરાજાનું આગમન થતા વેપારીઓ તેમજ ખેડૂતો ચિંતાતુર બન્યાં હતા.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી  જીલ્લામાં ગુરુવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારથી સાંજ સુધીમાં મોરબી અને વાંકાનેર તાલુકામાં વધુ ૧-૧ ઇંચ વરસાદ વરસ્યો હતો જયારે અન્ય ત્રણ તાલુકામાં વરસાદી ઝાપટા નોંધાયા છે

મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં વરસાદ વરસ્યો હતો જેમાં મોરબી તાલુકામાં ૨૫ મીમી, ટંકારા તાલુકામાં ૦૫ મીમી, માળિયા તાલુકામાં ૦૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૨૩ મીમી અને હળવદ તાલુકામાં ૦૮ મીમી વરસાદ નોંધાયો છે મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો મોરબી શહેરમાં વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા.

મોરબી જીલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તો મોરબી, ટંકારા અને વાંકાનેરમાં સારા વરસાદને પગલે ગામ પાણી પાણી થયું હતું તો જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબી,ટંકારા અને વાંકાનેરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

મોરબી જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં ૨૮ એમએમ, ટંકારામાં ૨૫ એમએમ,વાંકાનેરમાં ૨૩ એમએમ, હળવદમાં ૧૦ એમએમ અને માળિયામાં ૪ એમએમ વરસાદ નોંધાયો હતો તો ચોમાસાની સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ માળિયા તાલુકામાં પડ્યો હોવાની માહિતી મોરબી મોન્સુન વિભાગ પાસેથી મળી રહી છે તો મોરબી જીલ્લામાં ગઈકાલે સાવત્રિક મેધમહેરને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે.

(11:09 am IST)