Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબીના મમુ દાઢીની હત્યામાં પકડાયેલ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી..

પોલીસની રજુઆત કોર્ટે ગ્રાહ્ય રાખીઃ મોરબી જીલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧ઃ મોરબીમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. મમુ દાઢી હત્યા કેસમાં પોલીસે આરોપી ગેંગ વિરુદ્ઘ ગુજસીટોક હેઠળ કલમનો ઉમેરો કરવા કોર્ટને રજુઆત કરતા  કોર્ટે આ રજુઆતને ગ્રાહ્ય રાખતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ઘ ગુજસીટોકનું હથિયાર ઉગામીને ડીવાયએસપીને આગળની તપાસ સોંપી છે.

મોરબીમાં ગત તા.૭ સપ્ટેમ્બરના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભકિતનગર સર્કલ નજીક ફોર્ચ્યુનર કારને આંતરી આરીફ મીર, ઇમરાન બોટલ સહિતના શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા કરી હતી. તેમજ બે લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ દ્યટના અંગે પોલીસે કુલ તેર લોકો વિરુદ્ઘ કાવતરું ઘડી હત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા ઉપરાંત સતત ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોય તેઓની વિરુદ્ઘ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે આ રજુઆત માન્ય રાખતા આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા હાલ આ ગુન્હામાં પકડાયેલ હોય આ તમામ આરોપીઓ વિરુદ્ઘ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી અને આગળ તપાસમાં જે જે લોકોના નામ ખુલે અને પકડાય તે તમામ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તપાસ ડીવાયએસપી સંભાળશે. તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

(12:14 pm IST)