Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ખોખડદડ પુલ પાસે હરિઓમ પાર્કમાં એન્જિનીયરીંગના છાત્ર અનિલ અને તેના પિતા રસિકભાઇ પર હુમલો

પિતા રિક્ષા લઇને નીકળ્યા ત્યારે પડોશીના વાહન આડા પડ્યા હોઇ સામે જોતાં માથાકુટ કરી ધોકા-પાઇપ ફટકારાયાઃ બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ ખોખડદડ પુલ પાસે હરિઓમ પાર્કમાં રહેતાં અને મારવાડી કોલેજમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અનિલ રસિકભાઇ દેરવાડીયા (કોળી) (ઉ.વ.૨૦) તથા તેના રિક્ષાચાલક પિતા રસિકભાઇ મોહનભાઇ દેરવાડીયા (ઉ.વ.૪૦) પર રાત્રીના ઘર પાસે ગોવિંદ રબારી તથા અજાણ્યાએ ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. રસિકભાઇના કહેવા મુજબ પોતે રાતે રિક્ષા લઇ ઘર તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં ગોવિંદે તેના ઘર બહાર આડેધડ વાહન પાર્ક કર્યા હોઇ તેની સામે જોતાં તેણે છાનોમાનો નીકળી જાય...કહી ગાળો દઇ ઝઘડો કરતાં દેકારો થતાં પુત્ર અનિલ છોડાવવા આવ્યો હતો. આ વખતે ગોવિંદ સહિતે ઉશ્કેરાઇ જઇ પોતાને અને પુત્રને ધોકા-પાઇપથી માર માર્યો હતો. અગાઉ પણ આ શખ્સે દિકરા સાથે માથાકુટ કર્યાનું વધુમાં રસિકભાઇએ કહ્યું હતું. 

(12:12 pm IST)