Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

થાન પોલીસે ત્રણ શખ્સોને ઝડપતા ૧૭ બાઇક જપ્ત મોરબીમાંથી ૧૬ બાઇક ચોર્યાની કબુલાત કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧: થાનગઢ પોલીસને ચોરીના બાઇક સાથે શખ્સ આવતો હોવાની બાતમી મળતા રૂપાવટી ચોકડીએ વોચ ગોઠવી હતી. જયાંથી ૩ શખસને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરીના રૂ.૪,૪૬ લાખની કિંમતા ૧૭ બાઇક જપ્ત કરાયા હતા. તેમની પૂછપરછમાં વધુ એક શખસનું નામ ખૂલતા તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટ, દ્યરફોડ સહિતના ગુનાઓ અટકાવવા અને આવા ગુનામાં સંડોવાયેલા શખસોને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી. જે અન્વયે થાન પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન ચોરીના બાઇક અંગે બાતમી મળતા રૂપાવટી ચોકડીએ વોચ ગોઠવવામાં આવી હતી. જયાંથી શંકાસ્પદ ૩ શખસ બાઇક લઇ પસાર થતા અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બાઇકના કાગળિયા સહિત ચેકિંગ માટે માંગતા ન આપી શકતા વધુ પૂછપરછમાં ચોરીના હોવાનું ખૂલ્યું હતું.

આથી વિકાસ ઉર્ફે વીકો ભરતભાઇ પનારા (રહે.રૂપાવટી રોડ થાન), ગૌતમભાઇ ઉર્ફે ગગો ટપુભાઇ ડાભી (રહે.રૂપાવટી રોડ થાન), ગૌરવભાઇ ઉર્ફે ગયો નિલેષભાઇ ખૈગારીયા (મૂળ ધ્રાફા જામજોધપુર હાલ રહે.મોરબી લાલપર)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ૧૭ બાઇક કિંમત રૂ.૪,૪૬,૦૦૦ જપ્ત કરાયા હતા. આ બાઇક તેઓએ ૧ થાનમાંથી અને ૧૬ મોરબીમાંથી ચોર્યાનું કબૂલ્યું હતું.જયારે પૂછપરછમાં વધુ એક શખસ રાકેશભાઇ ઉર્ફે ભીમ (રહે.મોરથળા થાન)નું નામ ખૂલતા પોલીસે તેને પણ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં પીએસઆઇ જે.બી.મીઠાપરા,જયરાજસિંહ ખેર, કરશનભાઇ લોહ, મનોજભાઇ ઝાલા, દિલીપભાઇ લકુમ સહિત થાન પોલીસ જોડાઇ હતી.

દરમિયાન ચોરીના બાઇક સાથે ધ્રાંગધ્રા શખ્સ આવતો હોવાની અન્ય બાતમી મળી હતી.આથી ધ્રાંગધ્રા-બાવળી રોડ પર જશાપરના પાટીયાપાસે વોચ ગોઠવી હતી.શંકાસ્પદ શખ્સ નિકળતા અટકાવી પુછપરછ કરતા બે માસપહેલા ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. એન્જીન ચેસીસનંબરને પોકેટ કોપએપ્લીકેશનની મદદથી તપાસતા કોઢ ગામે બાઇક ચોરી થઇ હતી તે હોવાનુ ખુલ્યુ હતુ.આથી અરવિંદભાઇ હેમુભાઇ દેકાવડીયા રહે.કોંઢ મોરબીપરા ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી દેવાયો હતો.આ કાર્યવાહીમાં પીઆઇ એમ.ડી.ચૌધરી, પીએસઆઇ વી.આર.જાડેજા, અજયસિંહ, દિલિપભાઇ, કુલદિપસિંહ,સંજયભાઇ સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

(12:19 pm IST)